જી. કે. જનરલમાં ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટેના રસ્તા સેન્સરથી બંધ : થોડા સમય પહેલા સિવીલ સર્જનની ઓફીસમાં લાગેલ આગની ઘટનાથી મેનેજમેન્ટ બોધ લે
ભુજ : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટે અનેક રસ્તાઓ રાખવામાં આવ્યા છે. આ રસ્તાઓના દરવાજાને હાલ મેનેજમેન્ટે ક્યાંક તાળા તો ક્યાંક સેન્સર લોકથી બંધ કરેલ છે. આ દરવાજા આકસ્મિક સમયમાં તત્કાલ ખુલે તે રીતે રાખવા ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમા દ્વારા સબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
આ મુદે જણાવાયું છે કે ભૂકંપ બાદ હોસ્પિટલ અદ્યતન બનાવવામાં આવી છે. જેમાં કોઇ આકસ્મિક ઘટના બને તો હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓ સુરક્ષિત બહાર નીકળી શકે તે માટે ઇમરજન્સીમાં ઉપયોગ કરવા રસ્તાઓ રાખવામાં આવ્યા છે. આ રસ્તાઓ પર આવેલ દરવાજા હાલ મેનેજમેન્ટ દ્વારા કાયમી માટે બંધ જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે. ક્યાંક તાળા તો કયાંક સેન્સર વાળા લોક મારવામાં આવ્યા છે. આ સેન્સર વાળા લોક ઇલેક્ટ્રિક કાર્ડ દ્વારા ઓપન થઈ શકે છે. જેથી આકસ્મિક સંજોગોમાં તત્કાલ દરવાજા ખુલવા મુશ્કેલ છે. જેના કારણે કોઈ દુર્ઘટના વખતે આ ફાયર એક્ઝિટ રસ્તાઓ કોઈ કામના રહેતા નથી. આ મુદે સિવીલ સર્જનને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છતાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. થોડા સમય પહેલા જ સિવીલ સર્જનની કચેરીમાં આગ લાગી ત્યારે ફાયર સેફટીની મશીનરી કામ ન કરતા નુકસાન થયેલ હતું જે ઓન રેકર્ડ છે. આ ઘટનામાંથી પણ કોઈ બોધ મેનેજમેન્ટે લીધો નથી.
આ મુદે મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના હિતમાં આ રસ્તા તત્કાલ ખુલા મુકવામાં આવે, નહિંતર આવનારા સમયમાં કોઇ દુર્ઘટના બનશે અને જે પણ નુકસાન થશે તે તમામ જવાબદારી મેનેજમેન્ટની રહેશે તેવી રજૂઆત કરાઈ છે.