ફટાકડા બજાર વેપારી મંડળની રજૂઆત છતાય માધાપરમાં રોડ પર અને ગીચ વિસ્તારોમાં ફટાકડા સ્ટોલનો ધમધમાટ : તંત્ર નિષ્ક્રિય
ભુજ : માધાપર ફટાકડા બજાર સિવાય ગામમાં રોડ પર તથા શેરીઓમાં સરકારના નિયમ વિરૂદ્ધ થઈ રહેલ ફટાકડા સ્ટોલને મંજુરી ન આપવા તથા ચાલી રહેલ સ્ટોલ પર કાયદેસર કાર્યવાહી કરવા કલેક્ટર, મામલતદાર તેમજ માધાપર પોલીસને ફટાકડા બજાર વેપારી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આગોતરી રજૂઆત છતાય તંત્ર દ્વારા આ મુદે કોઈ પગલા લેવામાં આવેલ નથી.
આ મુદે થોડા દિવસો પહેલા કરાયેલ રજૂઆતમાં તંત્રને જાણ કરેલ કે છેલ્લા પાંચ વર્ષથી ફટાકડા બજાર વેપારી મંડળ દ્વારા ગામથી દુર યક્ષ મંદિર સામે ગ્રાઉન્ડમાં સેફ્ટી અને નિતી નિયમો મુજબ મંજુરી લઈ બજાર ઉભી કરવામાં આવે છે. તેમ છતા ગામમાં રોડ પર તેમજ શેરીઓમાં ફટાકડા સ્ટોલ ઉભા કરવામાં આવે છે. આ સ્ટોલના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. આ વિસ્તારમાં ફટાકડા સ્ટોલ સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોખમી હોય છે. આવા સ્ટોલને મંજુરી ન આપવા તથા કોઇ પણ સ્ટોલ ચાલુ હોય તો તેને બંધ કરાવવા વેપારી મંડળે રજૂઆત કરી છે.
થોડા દિવસો પહેલા આગોતરી જાણકારી હોવા છતા હાલ આવા અનેક ફટાકડા સ્ટોલ ગામમાં ધમધમી રહ્યા છે. આ મુદે તંત્ર દ્વારા હજી સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામમાં આવા નિયમ વિરુદ્ધ ચાલી રહેલ ફટાકડા સ્ટોલ પર કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.