માધાપર ભાજપમાં જુથવાદ યક્ષના મેળા બાદ ધારાસભ્યની હાજરીમાં રોડના ખાત મુહૂર્ત સમયે બહાર આવ્યો
ભુજ : ભારતીય જનતા પક્ષની છાપ શિસ્ત બધ્ધ પાર્ટીની છે. માધાપર જુનાવાસમાં અંદરો-અંદરના ડખ્ખાના કારણે છેલ્લા ઘણા સમયથી શિસ્ત બદ્ધતા ખતમ થઈ રહી હોવાની રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
માધાપર ગામ આમ તો ભાજપનો ગઢ ગણાય છે. માધાપર ગામની ચાર તાલુકા પંચાયત બેઠક, જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપનો કબ્જો છે. માધાપર જુનાવાસ સરપંચ પણ ભાજપ પ્રેરીત છે. વિધાનસભાની દરેક ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારને જંગી લીડ મળતી આવી છે. તાલુકા અને જિલ્લા પંચાયત ત્યાર બાદ ગ્રામ પંચાયતની આવેલી નવી બોડી અને વર્ષ 2022 માં થયેલ વિધાનસભા ચૂંટણી પછી માધાપર ભાજપમાં જુથવાદ ઘર કરી ગયો છે. આ જુથવાદની ઝલક ગ્રામ પંચાયતથી લઈને અનેક નાના મોટા રાજકીય કાર્યક્રમો દરમ્યાન વિરોધના રૂપે દેખાઇ આવી છે. એવું કહેવું ખોટું નથી કે કોંગ્રેસથી વધારે વિપક્ષની ભૂમિકા ભાજપનો જ અન્ય જુથ ભજવી રહ્યો છે. તો ભાજપના જ અન્ય જુથ જે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સરપંચના સમર્થન થકી અત્યારે પાવરમાં છે, પોતાને મળેલી સતા થકી પ્રજાના કામોને મહત્વ આપવાના બદલે, પોતાના પાવરનો ઉપયોગ ફક્ત સામેના ગ્રૂપની દવા કરવામાં જ કરે છે, જેથી માધાપર જુનાવાસની પ્રજાના કામો થતા ન હોવાનો સુર ઉઠી રહ્યો છે.
હાલમાં જ યોજાયેલ નાના યક્ષના મેળામાં ખુલ્લો મુકવા બાબતે રાજકારણે જમાવટ કરી હતી. નાના યક્ષના મેળાના ઓપનીંગ માટે છપાયેલ આમંત્રણ કાર્ડમાં ભાજપ પક્ષના પ્રમુખનું નામ નાખતા કોંગ્રેસે મેળાનું રાજનિતિ કરણ થઈ રહ્યાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ વિરોધને અંદર ખાને ભાજપનો જ અન્ય જુથ પંપાળી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યો હતો. સરપંચ અનુ. જાતિના હોવાથી તેમના સમાજના યુવાનો દ્વારા માધાપર પોલીસને આવેદન પત્ર આપી કોંગ્રેસ અને ભાજપના જ પોતાના વિરોધી જુથના વિરોધને ખાળવાનો પ્રયત્ન કર્યો હતો.
આજે જુનાવાસના એક રોડના ખાત મુહૂર્ત વખતે ધારાસભ્યની હાજરીમાં ભાજપના જ કાર્યકરોએ આ રોડ મુદે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક કાર્યકરોની રજૂઆત હતી કે આ રોડ બનાવવાથી પહેલા નવી ગટર લાઇન પાથરવામાં આવે. આ રોડમાં જે ગટર લાઇન છે તે વર્ષો જુની છે અને અવાર-નવાર અહી ગટર સમસ્યાના કારણે રોડ તોડવાની જરૂર પડે છે. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ જવાબદાર પણ અંદરો-અંદરનો જુથવાદ હોવાની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. આ ઘટના બાદ ધારાસભ્ય દ્વારા આજે ખાત મુહૂર્ત થયેલ રોડ એ જગ્યાએ હવે બનશે કે કેમ ? તે મુદે પણ લોકોમાં પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.
ટુંકમાં ગ્રામ પંચાયત કક્ષાએ ભાજપનો એક જુથ પોતાના વર્ચશ્વ માટે લડી રહ્યો છે, તો બીજો ગ્રૂપ સામે ગ્રૂપની દવા કરવા મથી રહ્યો છે, જુનાવાસની પ્રજાના ગટર, પાણી અને રોડ રસ્તાના વિકાસ કામો અભેરાઇએ ચડાવી, બન્ને જુથ પોતાનો રાજકીય જોર બતાડવામાં વ્યસ્ત છે.