ઉનામાં જેના પ્રોગ્રામ બાદ તોફાન થયેલ તે કાજલ હિન્દુસ્તાનીના કચ્છ કાર્યક્રમમાં તકેદારી રાખવા નખત્રાણા મુસ્લિમ સમાજ અને ઇત્તિહાદુલ મુસ્લિમીન સંસ્થાની રજૂઆત
નખત્રાણા : આગામિ 17 થી 19 તારીખ દરમ્યાન નખત્રાણા મધ્યે ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો આપનાર વિવાદાસ્પદ વક્તા કાજલ અગ્રવાલ (હિન્દુસ્તાની) મુખ્ય વક્તા છે. સતત એકતા અને ભાઇચારાના દર્શન કરાવતા કચ્છ પ્રદેશમાં આ પ્રકારના વક્તા દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવાની કોશીસ કરવામાં આવે તેવી દહેશત મુસ્લિમ સંસ્થાઓએ વ્યક્ત કરી છે. કચ્છ મુસ્લિમ સમાજની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ તેમજ નખત્રાણા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા આ મુદે તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
વિવાદાસ્પદ વક્તા જેઓ કચ્છના નખત્રાણા ખાતે ભાષણ આપવાના છે. તેઓના ભાષણ હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા અને સતત મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવતા વિવાદાસ્પદ હોય છે. અગાઉ પણ આ વકતા દ્વારા મુન્દ્રા તાલુકાના ભુજપુર ખાતે મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા ભડકાઉ ભાષણો આપ્યા હતા. ગુજરાતમાં ઉના ખાતે પણ તોના આવા ભાષણો બાદ બે કોમ વચ્ચે તંગદીલી ફેલાતા તોફાનો થયા હતા. આ વક્તા કચ્છમાં આવી અને શાંતિ ડહોડાય તેવા ભાષણો ન આપે તેની તકેદારી લેવા મુસ્લિમ સંસ્થાઓએ રજૂઆત કરી છે. આ વિવાદાસ્પદ વક્તાને આ પ્રકારના ભાષણોથી રોકવા તંત્રને જાણ કરવામાં આવી છે. આવા કૃત્યને રોકવા તંત્ર દ્વારા શક્ય હોય તો તેના ભાષણ પર પ્રતિબંધ લગાવે અન્યથા સરકારી તંત્ર આ સમગ્ર કાર્યક્રમનું વિડિયો રેકોર્ડિંગ કરે, આ પ્રકારના ભાષણો આપવામાં આવે તો તત્કાલ તેમને રોકી અને કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ બન્ને રજૂઆતમાં કરવામાં આવી છે.
નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપતી વખતે લુડબાય જુથ ગ્રામ પંચાયતના સરપંચ જબ્બાર જત, કચ્છ કુંભાર યુવા સમિતિના પ્રમુખ અને નખત્રાણા તાલુકા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દના પ્રમુખ હારૂનભાઇ કુંભાર, ભાજપ લઘુમતિ આગેવાન ગુલામહુશેન બારાચ નેત્રા અને અબ્દુલભાઇ લંગા નખત્રાણા, હાજીભાઇ કુંભાર, મુશાભાઇ કુંભાર નખત્રાણા વગેરે હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ પ્રકારની હેટ સ્પીચને ખૂબજ ગંભીરતાથી લઈ આ પ્રકારના બનાવોમાં કોઇ ફરિયાદી ન હોય તો પણ રાજ્ય સરકારને ફરિયાદ કરવા આદેશ કર્યો હતો. અને આ પ્રકારના કેશોમાં ઢીલાશને કોર્ટ નો અનાદર માનવામાં આવશે તેવુ જણાવ્યું હતું.