ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણીના બીજા જ દિવસે અવિશ્વાસની દરખાસ્ત : મુસ્લિમ ઉપપ્રમુખને 4-5 માસ સ્વીકારવા પણ ભાજપ તૈયાર નથી :વી.કે.હુંબલ
ગાંધીધામ : તાલુકા પંચાયતમાં ભાજપના અંદરોઅંદર વિવાદ અને વિખવાદના કારણે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લક્ષ્મીબેન મ્યાત્રાએ રાજીનામું આપી દીધેલ હતું. ત્યારબાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભાજપ દ્વારા હનીફ મુસા ચાવડાને બિનહરીફ ચૂંટેલા હતા. પરંતુ નવાઈની વાત એ છે કે ઉપપ્રમુખ પદ સંભાળ્યાના બીજા જ દિવસે ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા જ અવિશ્વાસની દરખાત દાખલ કરવામાં આવી. જેનું એક માત્ર કારણ કે હનીફ મુસા ચાવડા મુસ્લિમ સમાજમાંથી પ્રતિનિધિત્વ કરી રહેલ છે. તે કેમ ઉપપ્રમુખ બની શકે ? એવા ભાજપના કટ્ટરવાદીઓ તરફથી ભાજપના સંગઠન ઉપર દબાણ લાવવામાં આવેલ. હનીફ મુસા ચાવડા ભારતીય જનતા પક્ષના કિડાણા બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલ છે. અને ત્યારે ભાજપને કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. કારણ કે ત્યાં મુસ્લીમોના મતો ભાજપને મેળવવાના હતા. અને મુસ્લિમ મતોના કારણે જ ગાંધીધામ તાલુકામાં આવતી બન્ને જીલ્લા પંચાયત બેઠકો ભાજપે જીતેલ. ત્યારે ભાજપનો આ ખેલ લોકો જોઈ રહ્યા છે કે એક ભાજપનો જ ચૂંટાયેલા સભ્યને ઉપપ્રમુખ બનાવ્યા પછી માત્ર ૨૪ કલાકની અંદર જ અવિશ્વાસની દરખાસ્ત લાવી અને સમગ્ર મુસ્લિમ સમાજનું અપમાન કરેલ છે. જેના કારણે આ મુદ્દો સમગ્ર ગાંધીધામ સમાજ તાલુકો અને કચ્છ જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રથમ ટર્મ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થવાને ૪ થી ૫ માસ બાકી છે. ત્યારે ૪-૫ માસ માટે પણ ભાજપ પક્ષ હનીફભાઈને ઉપપ્રમુખ તરીકે સ્વીકારવા તૈયાર નથી જે ગંભીર બાબત છે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં કુલ્લ ૧૬ બેઠકો છે. જેમાં અવિશ્વાસની દરખાસ્તમાં ૧૧ સભ્યોની જરૂરિયાત છે. ત્યારે ભાજપ પક્ષની કિન્નાખોરીના કારણે અગાઉ પણ વિખવાદના કારણે સભ્યોએ રાજીનામાં આપેલ. તે ભાજપના આ ખેલમાં સાથે રહે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ભાજપ દ્વારા વિધાનસભામાં એક પણ મુસ્લિમને ટીકીટ આપેલ નથી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં માત્ર મુસ્લિમ સમાજના મતો લેવા માટે મજબુરીમાં ટીકીટ ફાળવણી કરવી પડે તો પણ ચૂંટાયા બાદ હું કોણ અને તું કોણ તેવો તાલ ભાજપ કરી રહેલ છે. જેથી ક્યારેય પણ ના બન્યું હોય તેવો ઈતિહાસ ગાંધીધામ તાલુકા પંચાયતમાં બની રહેલ છે કે જે ભાજપ પક્ષે મેન્ડેટ આપી હનીફભાઈ ચાવડાને ઉપપ્રમુખ બનાવ્યા અને બીજા દિવસે હટાવવાનું ખેલ શરૂ થાય તેમાં સમજવાનું શું ? એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.કે.હુંબલની યાદીમાં જણાવવામાં આવે છે.