માધાપરમાં ભાજપના ઉમેદવારે કાર્યાલય ખુલ્લા મુકી લોક સંપર્ક કર્યો : જુનાવાસ ગ્રામ પંચાયત સદસ્ય, ક્ષત્રિય યુવા અગ્રણીએ ભાજપનો ખેસ ધારણ કર્યું
ભુજ : વિધાનસભા ચૂટણીનો પ્રચાર હાલ પૂર જોશમાં ચાલુ છે. ઉમેદવારોના ગામડે-ગામડે પ્રવાસો ચાલુ છે. જે અંતર્ગત ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઇ પટેલની માધાપરની મુલાકાત હતી.
આ મુલાકાત દરમ્યાન માધાપર નવાવાસ અને જુનાવાસ એમ બેય જગ્યાએ કાર્યાલયો ખુલ્લા મુકાયા હતા. ભાજપના આગેવાનો સાથે કેશુભાઇએ ગામમાં જનસંપર્ક કર્યો હતો. તેમજ દિવસ દરમ્યાન અલગ-અલગ જગ્યાએ માધાપરમાં વસતા વિવિધ સમાજોના આગેવાનો સાથે મુલાકાત પણ કરી હતી.
માધાપર નવાવાસ કાર્યાલય ઓપનીંગ વખતે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના સદસ્ય એવા યુવાનેતા જગદીશસિંહ(સચીન) જોરાવરસિંહ જાડેજાએ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંત માધાપરિયાની આગેવાનીમાં, ઉમેદવાર કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણીઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. સચીન જાડેજા કે જેઓ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની વીસ વર્ષ સુધી સાશન ધુરા સંભાળનાર પૂર્વ સરપંચ જોરાવરસિંહ ઉર્ફે લાખુભા જાડેજાના પુત્ર છે. તેઓ પોતે હમણા માધાપર જુનાવાસ વોર્ડ નંબર 6 માંથી ચૂટાયેલ સભ્ય છે. જુનાવાસમાં તેઓનો દરેક સમાજના યુવાનોમાં સારો એવો પ્રભાવ છે.
તેમના પિતા 20 વર્ષ સરપંચ રહ્યા પણ કોઈ રાજકીય પાર્ટી સાથે તેઓ જોડાયા ન હતા. સચીન જાડેજા પોતે પણ સતાવાર કોઈ પક્ષમાં ન હતા, પણ તેઓનો જુકાવ કોંગ્રેસ સાઇડ રહ્યો છે. પણ હંમેશાની જેમ માધાપર કોંગ્રેસના નબળા સંગઠન અને નેતાગીરીના કારણે કોંગ્રેસ પક્ષ તેઓને પોતા સાથે જોડવાના કોઈ પ્રયાસ ન કરતા અંતે તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા માધાપર ગામના વ્યક્તિને ઉમેદવાર બનાવ્યો છતા આ પ્રકારે યુવા આગેવાનો ભાજપ સાથે જોડાય છે, ત્યારે માધાપરના ઉમેદવારનું માધાપર ગામમાં પ્રભાવ ઓછો હોવા મુદે અનેક સવાલો ઉઠી રહ્યા છે.