રાજેન્દ્રસિંહના રાજીનામા બાદ ભુજના 7 કાઉન્સિલર સહિત 18 રાજીનામા : રાજકીય ઉઠા-પઠક પાછળ ટિકિટ નહીં પણ અન્ય કારણ ?
ભુજ : વિધાન સભા ચૂંટણીઓની હલચલ તેજ બની છે ત્યારે આજે કચ્છ કોંગ્રેસના એક દિગ્ગજ આગેવાને પક્ષમાથી રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસી આગેવાન રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ આજે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. રાજેન્દ્રસિંહ જાડેજા કે જેઓ 10 વર્ષ સુધી ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. તેમના પિતા હકૂમતસિંહ જાડેજા 17 વર્ષ સુધી ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષમાં અને ભુજ તાલુકાની પ્રજાને સેવા આપેલ છે.
તેઓએ રાજીનામામાં જણાવ્યું છે કે 20 વર્ષ પાર્ટીની સેવામાં રહ્યા અને બે પેઢીઓએ પક્ષમાં યોગદાન આપવા છતા પાર્ટીમાં કોઈકને ખોળ અને ગોળની નિતી ચાલતી હોવાનો આક્ષેપ કરાયો છે.
તેઓના રાજીનામા બાદ કોંગ્રેસના હાલ ચાલુ 8 કાઉન્સિલર પૈકી 7 ચૂંટાયેલ કાઉન્સિલરોએ પક્ષમાથી રાજીનામુ આપેલ છે. આ કાઉન્સિલર સિવાય કોંગ્રેસ પક્ષના અન્ય હોદેદારો મળીને કુલ 18 જણાના રાજીનામા રાજેન્દ્રસિંહના સમર્થનમાં પળ્યા છે. આ 18 પૈકી કોંગ્રેસી અગ્રણી અમીષ મહેતાને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનો હોદો આપવામાં આવ્યો તેને માંડ 24 કલાક થયા હશે કે અમીષ મહેતાએ પણ રાજેન્દ્રસિંહના સમર્થનમાં રાજીનામુ આપ્યુ છે.
આ સમગ્ર રાજકીય ઉઠા-પઠક ભુજ વિધાનસભાની બેઠક પર અરજણ ભુડિયાની ઉમેદવારી નક્કી થઈ હોવાના કારણે થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. પણ હકિકત આ સમગ્ર રાજકીય ઉથલ-પાથલ પાછળ કાંઈક અલગ જ કારણ હોવાની પણ ચર્ચા છે. કારણ કે અરજણ ભુડિયા અને રાજેન્દ્રસિંહ બે સ્ટ્રોંગ દાવેદાર હતા. બે પૈકી કોઇનુ નામ હજી સત્તાવાર જાહેર થયુ નથી. માટે આ સમગ્ર રાજકીય ઘટના ક્રમ વિરોધી જુથના કોઈ વ્યક્તિની કોંગ્રેસમાં ફરીથી એન્ટ્રીની શક્યતાને લઈને રચાયો હોવાની રાજકીય આલમમા ચર્ચા થઈ રહી છે.
જો કે સમય આવ્યે આ સમગ્ર ઘટનાક્રમ પાછળની સચ્ચાઈ બહાર આવશે, હાલ તો ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.