સાત મુસ્લિમ કાઉન્સિલરોને રાજીનામાના રવાડે ચઢાવી પૂર્વ કોંગી નેતા ભાજપના ખોળામાં, હાલના ઉમેદવાર પણ ભાજપમાં નહીં જોડાય, તેની શું ખાતરી? AIMIM નો વેધક સવાલ
ભુજ : વિધાનસભા ચૂંટણીઓના પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. નારાજ નેતાઓ એક પક્ષ માંથી બીજા પક્ષમાં સ્થળાંતર કરી રહ્યા છે. તે વચ્ચે ગઈ કાલે કોંગ્રેસના આગેવાન 10 વર્ષ સુધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ અને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રહેલા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ સતાવાર ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમના ભાજપમાં જોડાયા બાદ સોશ્યલ મિડીઆ પર અનેક મેસેજો અને પ્રતિક્રિયાઓ આવી રહી હતી. તેના વચ્ચે આજે AIMIM ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને ભુજ વિધાનસભાના ઉમેદવાર સકીલ સમાએ ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેઓએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું કે વર્ષ 2017માં અબડાસાની પ્રજાએ વિચારધારાના આધારે કોંગ્રેસ પક્ષમાં જેમને વિજયી બનાવ્યા, તેઓ જીત્યા બાદ ભાજપની વિચારધારા તરફ ઢળી ગયા અને છેવટે વિચારધારાને કોરાણે મૂકીને ભાજપમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસનું આ વલણ આખા દેશમાં જારી રહ્યું છે. સેકયુલરિઝમના નામે મુસ્લિમ સમાજના મતો મેળવી પાછલા બારણે ભાજપના એજન્ડા પર કામ કરનાર કોંગ્રેસી ધારાસભ્યો ગણ્યા ગણાય નહીં એટલા છે. અબડાસા બાદ હાલમાં નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતાએ પણ એ જ કર્યું છે, જેની સામે મુસ્લિમ મતદારોને હંમેશા વાંધો રહ્યો છે. ટિકિટનું બહાનું ધરી પ્રથમ થોડી ઉઠાપટક અને ભુજના સાત મુસ્લિમ કાઉન્સિલરોને રાજીનામાના રવાડે ચઢાવી પોતે ભાજપના ખોળે બેસી ગયા છે. તેમના સમર્થક સાત મુસ્લિમ કાઉન્સિલરો નવા નેતાની છત્રછાયા શોધવા મજબુર બન્યા છે. શું મુસ્લિમ સમાજે વરસે દહાડે નવી રાજકીય છત્રછાયા શોધવાની?
જનતા પૂછી રહી છે, ભાજપની બી ટીમના સભ્યો ખરેખર કોણ છે? AIMIM ભાજપની બી ટીમ હોવાનું રટણ કરીને મુસ્લિમ સમાજને ગુમરાહ કરનાર ભુજ પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા, અગાઉ અબડાસાના બબ્બે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા, ત્યારે કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર પણ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ નહીં જાય તેની શું ખાતરી? કચ્છના મતદારો આવા બહુરૂપીયા નેતાઓથી કંટાળ્યા છે અને પોતાનો અમૂલ્ય મત છેલ્લે ભાજપના પલડામાં ન જાય તે માટે અત્યારથી જ સતર્ક છે અને ભુજ વિધાનસભા બેઠક પર સંતાકૂકડી રમતા ભાજપ- કોંગ્રેસ બંને પક્ષને નકારી AIMIM ની તરફેણમાં જંગી મતદાન કરશે, તેવો વિશ્વાસ સકીલ સમાએ વ્યક્ત કર્યો છે.