માધાપર પોલીસની કામગીરી સામે ગ્રામ પંચાયત સદસ્યાના ગંભીર આક્ષેપો
ભુજ : માધાપર પોલીસ દ્વારા લોકોને હેરાનગતી કરાતી હોવા તેમજ પોતાની ફરજ નિભાવતા ન હોવાના આક્ષેપ સાથે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત સદસ્યા સગુણા દિપક ડાંગર દ્વારા માધાપરની ગ્રામ સભામાં રજૂઆત કરાઈ છે.
મંગળવારે યોજાયેલ માધાપર જુનાવાસની ગ્રામ સભામાં પોલીસ વિરૂદ્ધ રજૂઆત આપી છે. જેમાં જણાવેલ છે કે માધાપરને અલગ પોલીસ સ્ટેશન સાથે વધારાનુ મહેકમ મળ્યુ છે, પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન બ દીન કથડી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફીક સમસ્યા નિવારવા કોઈ પગલા લેવાયા નથી. ઉલ્ટાનુ દંડના નામે લોકોને ખોટી રીતે પરેશાન કરાય છે. જ્યારે તેમની નજર સમક્ષ મીઠાના ઓવરલોડ ટ્રકો સેકડોની સંખ્યામાં નીકળે છે, પણ ત્યા કાર્યવાહી ને બદલે પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે. ગામમાં દારૂની બદી વધી રહી છે, ખુલ્લેઆમ દારૂ વેચાણથી પોલીસ અજાણ નથી છતા કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહી છે.
આમ દારૂ તેમજ અન્ય બદીઓ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે, પોલીસ પ્રજાને પરેશાન કરી રહી છે. જેમાં તપાસના બહાને રાત્રીના સમયે પોલીસ દ્વારા ગામના પ્રતિનિધિઓને ઘરે જઈ રોફ જમાવી પરેશાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓને પુછતા “ચૂંટણી છે એટલે કરવું પડે” એવા વાહિયાત જવાબ આપી રહ્યા છે. આવી પક્ષપાતી કામગીરીની તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
વધુમાં તહેવારોના સમયે પોલીસ દ્વારા ઇ મેમોની ઉઘરાણીના બહાને રાત્રીના સમયે લોકોને ખોટી રીતે પરેશાન કરી, ઘરે લેડીસો પાસેથી ધાક ધમકી કરી પૈસા ઉઘરાવવામાં આવે છે તેવો આક્ષેપ કરાયો છે.
તેમજ બાઇક ચોરી, મોબાઈલ ચોરી, પૈસા ચોરી અને કેબલ ચોરી જેવા ગુનાની ફરિયાદ લેવામાં પણ પોલીસ દ્વારા આનાકાની કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ તમામ બાબતો ગ્રામ સભાના ઠરાવમાં લઈ પોલીસની કામગીરી મુદે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી અર્થે મોકલવા ગ્રામ પંચાયત સદસ્યા સગુણાબેન ડાંગર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરે માંગ કરી છે.