દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનૂભવોએ કચ્છીઓને અષાઢી બીજની શુભકામના પાઠવી
ભુજ : આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. રાજાશાહિ વખતથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં સતત 12 વર્ષ મુખયમંત્રી રહ્યા બાદ હાલમાં દેશના વડાપ્રધાન પદે બીરાજમાન નરેન્દ્ર મોદી કે જેઓને કચ્છ પ્રત્યે અલગ જ લગાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચ્છીઓને નવા વર્ષની ટ્વીટર મારફતે શુભેચ્છા પાઠવી હતી. તો દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ અષાઢી બીજની શુભેચ્છા પાઠવવામાં આવી છે.
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ સર્વે કચ્છ વાસીઓને અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા સૌ કચ્છી નાગરિકોને અષાઢી બીજ કચ્છી નૂતનવર્ષની હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે.
કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે. એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે.