નશો નોતરે નાશ : મુંદ્રામાં તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આરોગ્ય નિદાન અને જનજાગૃતિ સત્ર યોજાયો
મુંદ્રા : વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. અદાણી ફાઉન્ડેશન, અદાણી વિલમાર અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમમાં આરોગ્ય નિદાન કેમ્પ અને જનજાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ આયોજન પાછળનો ઉદ્દેશ તમાકુના સેવનથી થતા નુકશાન અંગે જનજાગૃતિ તેમજ વ્યસનમુક્તિ વિશે લોકોને સભાન કરવાનો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય નિદાન કેમ્પમાં ભાગ લઈ સ્વાસ્થ્ય લાભ પણ લીધો હતો.
તમાકુ આરોગ્ય માટે ખૂબ જ હાનીકારક છે. તેના સેવનથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બનવું પડે છે. તમાકુ નિષેધ દિન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં લોકોને ઓરલ હેલ્થ ચેક-અપ તેમજ તમાકુથી થતા નુકશાન અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટીના કિરણકુમાર સંઘવી, અરવિંદ શાહ અને ડૉ. જયેશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અદાણી વિલમારના એચ.આર હેડ સોનલકુમાર અરોરાએ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને વ્યસનમુક્ત રહેવા આહ્વાન કર્યુ હતું. તો ડૉ. જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, “કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિના પરિવારમાં શારિરીક અને આર્થિક પાયમાલી નોતરે છે.”
તમાકુથી છેલ્લા 1 વર્ષમાં જ ભારતમાં અંદાજે 13.50 લાખ લોકોનાં મોત થયાં છે. અદાણી ફાઉન્ડેશનના ડૉ. નરેન્દ્ર ડોડીયાએ જણાવ્યું હતું કે, “અદાણી ગ્રુપ લોકોના આરોગ્યની દરકાર કરવા હંમેશા ખડેપગે તૈયાર છે અને હાકારાત્મક અભિગમ સાથે ભવિષ્યમાં પણ સમાજસેવાના કર્યોમાં તત્પર રહેશે”.
1987માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ(WHO) એ તમાકુનાં સેવનથી વધતી બીમારીઓ અને મૃતાંકને જોતા વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. તમાકુ અને તેનાથી બનતા પદાર્થોનું સેવન કરવાથી ફેફસાનું કેન્સર, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન, લિવર કેન્સર, મોઢાનું કેન્સર, ડાયાબિટીઝનો ખતરો, હૃદય રોગ કોલોન કેન્સર અને મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓ થાય છે. માત્ર ધૂમ્રપાનના વ્યસનથી જ લગભગ 80 થી 90 ટકા લોકોને ફેફસાનું કેન્સર થતું હોવાનું તારણ છે.