ચોપડવાના ક્ષત્રિય યુવાને ક્ષાત્ર ધર્મ નિભાવવા મુસ્લિમ યુવાનને બચાવવા જતા શહીદી વ્હોરી કચ્છીયતને જીવીત રાખી
ભુજ : કચ્છ પ્રદેશ એ સદભાવના, કોમીએકતા અને ભાઇચારાનો પ્રદેશ છે. ફકત કચ્છ ગુજરાત કે ભારત નહીં દેશ-વિદેશમાં પણ કચ્છની છાપ કોમીએકતાના પ્રદેશ તરિકે સ્થાપિત થઈ છે. દેશમાં કે રાજ્યમાં જ્યારે-જ્યારે, કમનશીબે કોમી છમકલા અને હુલ્લડો થયા છે, ત્યારે કચ્છ પ્રદેશની તેની અસર થઈ નથી. કચ્છની ઈમાનદાર અને મહેનતકસ પ્રજા કાયમ શાંતિ અને ભાઇચારાથી જીવન જીવમાં માને છે.
કચ્છનો ઇતિહાસ પણ કંઇક એવું જ છે. ઇતિહાસ પર નજર કરીએ તો સીંધની સુમરીઓની લાજ બચાવવા કચ્છ કેસરી વીર જામ અબડા અડભંગે, સામે હજારોના ખીલજીના લશકરની પરવા કર્યા વગર, પોતાના નાના એવા લશ્કર સાથે ખૂબજ વીરતા પૂર્વક લડી શહિદ થયા હતા. એ જ રીતે ભીંયા કકલે રાજવંશને બચાવવા પોતાના છ-છ દિકરાઓના પ્રાણની આહુતિ આપી, કોમીએકતા અને અસલ કચ્છીયત ઉજાગર કરી જેનો સુવર્ણ ઇતિહાસ કચ્છ પાસે છે.
છેલ્લા થોડાક દિવસોથી કચ્છમાં સોશ્યલ મિડિયા પર ટીકા ટિપ્પણીઓ થકી કોમી તણાવ ઊભો કરાઈ રહ્યો છે. તે વચ્ચે એક દૂ:ખદ પણ કચ્છીયતને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે.
ભચાઉ એસારપી કેમ્પ વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલ પાસે અકરમ યુસુફભાઈ અબડા તેની માતા સાથે આવેલ, આ કેનાલ પરથી તેનો પગ લપસી જતા તે પાણીમાં ડુબવા લાગતા, તેમની માતાએ બુમો પાડી હતી. ત્યાંથી ભચાઉ તાલુકાના ચોપડવા ગામનો યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પસાર થઈ રહ્યો હતો. અકરમની માતાની બુમો સાંભળી તેણે પોતાની જીવની પરવા કર્યા વગર અકરમને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બન્ને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે અકરમ સાથે તેને બચાવવા પાણીમાં પડેલ એ ક્ષત્રિય યુવાનનો પણ મૃત્યુ થયો હતો.
રક્ષા કરવીએ ક્ષત્રિયનો ધર્મ હોય છે અને આ ગુણ તેના લોહિમાં જ હોય છે. ચોપડવાના આ ક્ષત્રિય યુવાને મુસ્લિમ યુવાનની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી, ક્ષાત્ર ધર્મ સાથે કચ્છની કોમી એકતાને જીવીત રાખી શહીદી વ્હોરી છે.
આ યુવાનના બલિદાને સાબિત કર્યું છે કે કચ્છની કોમી એકતા જે કચ્છ કેસરી વીર જામ અબડા અને ભીંયા કકલના સમયમાં હતી, તે જ કોમી એકતા આજે પણ કચ્છીઓના લોહીમાં જીવીત છે. આ યુવાનનો બલિદાન કચ્છમાં સદાય યાદ રહેશે, તેમજ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને આ વિર યુવાનના પરિવારને દૂખ સહન કરવાની શક્તિ આપે તેવી સંવેદના કચ્છના તમામ સમાજના આગેવાનો સાથે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ પરિવારે પણ વ્યક્ત કરી છે.
આ ઘટના રાજકીય રોટલા સેકવા કચ્છમાં કોમી તણાવ ઊભો કરનારા અસામાજિક તત્વોના મોઢા પર તમાચા સમાન છે.