ગુજરાતના શિક્ષણ મંત્રીને કચ્છના શિક્ષણમાં રસ ન હોવાથી પદવીદાન સમારોહમાં હાજર નહી હોય : પૂર્વ સેનેટનો આક્ષેપ
ભુજ : અનેક ઉતાર-ચડાવ અને અસમંજસતા બાદ આખરે કચ્છ યુનિવર્સિટી મધ્યે 22 જુનના પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત હશે, પણ પ્રોટોકોલ મુજબ શિક્ષણ મંત્રીની હાજરી જરૂરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના શિક્ષણ મંત્રી પદવીદાન સમારોહમાં હાજર રહેવાના નથી તેઓ આક્ષેપ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું કે આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીને કચ્છ પ્રત્યે કેટલો પ્રેમ છે. કચ્છના પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની ઘોર ખોદાઇ રહી છે, ત્યારે શિક્ષણ મંત્રીની પ્રવેશબંધી પર સવાલ ઉભો થયો છે.
વધુમાં જણાવેલ છે કે કચ્છ યુનિવર્સિટીમાં પ્રશ્નોની હારમાળા છે. છેલ્લા ઘણા સમયથી એક્સટર્નલ કોર્ષ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે દર વર્ષે 5000 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે. તેમજ આંતરિક હૂંસાતુસીના કારણે અતિ મહત્વના PHD કોર્ષની પ્રવેશ પ્રક્રિયા પણ બંધ કરી દેવાઇ છે. PHD ની પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ થાય જેની વિદ્યાર્થીઓ ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ મુદે યુનિવર્સિટી દ્વારા એવું કહેવાય છે કે સરકાર નિર્ણય લેશે, તો બીજી બાજુ સરકારના મંત્રી યુનિવર્સિટીમાં આવવા જ તૈયાર નથી. આ તમામ બાબતોનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.
આ પદવીદાન સમારોહમાં સરકારનો જે પણ મંત્રી હાજર રહેશે તેના સમક્ષ વિવિધ પ્રશ્ને શાંતિ પૂર્ણ રજૂઆત કરવામાં આવશે, જો રજૂઆત નહિ સાંભળવામાં આવે તો તે મંત્રીને ઘેરાવ કરવાની ફરજ પડશે તેવી ચિમકી કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરે ઉચારી છે.