ભુજ પાલિકાએ એક ભાડૂઆતનો કોરોના કાળના એક વર્ષનું ભાડું માફ કરી વ્યક્તિ ગત ફાયદો કરાવ્યો : તમામ ભાડૂઆતોનું ભાડું માફ કરવા માંગ
ભુજ : શહેરની પાલિકા પાસે વિવિધ વિસ્તારમાં માલિકીની 450 જેટલી દૂકાનો અને મિલ્કતો છે. આ તમામ મિલ્કત પાલિકા દ્વારા ભાડે ચડાવેલ છે. આ તમામ મિલ્કતો માથી ફક્ત એક મિલ્કતનો કોરોના કાળ દરમ્યાનનો ભાડું માફ કરાતા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
નગરપાલિકા દ્વારા તેમની માલિકીની મોતીલાલ નહેરૂ વ્યાયામ શાળા ગ્રાઉન્ડ મધ્યે ઉપલા માળે આવેલ હોલ એન્કોર ફીટનેશ જીમ ચલાવવા નિરવ દિનેશ ઠક્કરને ભાડે આપેલ છે. મહિને 10000 રૂ. ના ભાડેથી આ હોલ નવ નવ વર્ષ માટે આ જીમ સંચાલકને આપેલ છે. આ સંચાલક દ્વારા કોરોના કાળના એક વર્ષ એટલે કે વર્ષ 2020-21 નો ભાડો માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ધ્યાને લઈ પાલિકા દ્વારા 12 મહિનાનો ભાડું માફ કરતો ઠરાવ 7 ફેબ્રુઆરીના કરેલ છે.
આ ઠરાવનો મુદે શહેર કોંગ્રેસના મંત્રી સહેજાદ સમાએ રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે ભુજ પાલિકાએ આ જીમ સંચાલકને જે ભાડું માફ કર્યું છે, તે એક વ્યક્તિના ફાયદા માટે લીધેલ ભેદભાવ ભર્યું નિર્ણય છે. પાલિકાની માલિકીની મિલ્કતમાં આવા અનેક ભાડૂઆતો છે. બસ સ્ટેશન પાસે, ભીડનાકા બહાર, સરપટ ગેટ બહાર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાએ પોતાની મિલ્કતો ભાડે આપેલ છે. આ તમામ ભાડૂઆતોને પણ કોરોના કાળના એક વર્ષ દરમ્યાનનો ભાડું માફ થવું જોઈએ. જે ભાડૂઆતોએ ભાડું આપી દીધું હોય તેઓને નગરપાલિકાએ રિફંડ આપવું જોઈએ તેવી માંગ યુવા કોંગી આગેવાન દ્વારા કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે નગરપાલિકાની મિલ્કતના તમામ ભાડૂઆતોએ આગળ આવી આ મુદે પાલિકાને ધ્યાન દોરી ભાડું માફી આપવા રજૂઆત કરવી જોઈએ.