“ભીમ રત્ન” સમરસ હોસ્ટેલના લોકાર્પણ કાર્યક્રમમાં જ દલિત સમાજ વિશે ગેર બંધારણીય ભાષા પ્રયોગ : RDAM ની ફરિયાદ દાખલ કરાવવા તજવીજ
ભુજ : આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કચ્છમાં આવ્યા છે. તેઓ ભાજપના નવા કાર્યાલયનું ભૂમિપૂજન તેમજ કચ્છ યુનિવર્સિટી મધ્યે IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ અને સમરસ છાત્રાલયનું લોકાર્પણ કર્યું છે. આજે સાંસદ વિનોદ ચાવડા દ્વારા નવનિર્મિત “ભીમ રત્ન સમરસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દલિત સમાજ વીશે ગેર બંધારણીય શબ્દનો પ્રયોગ સાહિત્યકાર યોગેશ બોક્ષા દ્વારા કરવામાં આવતા દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે.
આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી અને કચ્છ મહેશ્વરી સમાજના કાર્યકારી પ્રમુખ નરેશ મહેશ્વરીએ વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સાંસદ વિનોદ ચાવડા દ્વારા બનાવેલ “ભીમ રત્ન સમરસ છાત્રાલયના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજાએ, વાસણભાઈ આહિર, પ્રધ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી તેમજ અન્ય દલિત સમાજના અગ્રણીઓ હાજર હતા. તેના વચ્ચે ભાજપ કાર્યકર અને સાહિત્યકાર યોગેશ બોક્ષા દ્વારા દલિત સમાજ વિશે ગેર બંધારણીય શબ્દ પ્રયોગ કરી દલિત સમાજનું અપમાન કર્યું જે ખૂબજ ગંભીર બાબત છે. આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ હાલ પોલીસ સ્ટેશને જવાબદારો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ કરી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ દલિત સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા તત્વો વિરૂદ્ધ કડક કાયદાકીય પગલા લેવાય અને સજા થાય તેવી માંગ પણ તેઓએ કરી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ દલિત સમાજના ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને આગેવાનોની હાજરીમાં, તે પણ આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામનું સમરસ છાત્રાલય ખુલ્લુ મુકવાના કાર્યક્રમમાં જ દલિત સમાજ વિશે ગેર બંધારણીય ભાષા પ્રયોગની ઘટનાએ કચ્છના રાજકીય આલમમાં ચકચાર જગાવ્યો છે.