પાંચ વર્ષ જુનો ઠરાવ આપોઆપ રદ ગણાય : આવા ઠરાવનો હવાલો આપી ભુજ પાલિકાએ સફાઇ કર 5 થી 15 ગણો વધાર્યો
ભુજ : નગરપાલીકા દ્વારા જુના ઠરાવનો હવાલો આપી સફાઈ કર વધાર્યો હોવાનો આક્ષેપ કરી આ વધારો પાછો ખેંચવા ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમા દ્વારા માંગ કરવામાં આવી છે.
ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શહેરની મિલકતો પર સફાઈ કર વધારવામાં આવ્યો છે. પ્રાદેશિક કમિશનરની ઝોનલ કચેરીના 30 માર્ચ ના પત્રનો હવાલો આપી સફાઈ કર વધારવામાં આવ્યો છે. આ મુદે સહેજાદ સમાએ નગરપાલિકા નિયામકને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે સફાઈ કરમાં વધારો ચાલુ વર્ષથી કરવામાં આવ્યો છે, પણ આ મુદે નગરપાલિકા દ્વારા 2017 માં ઠરાવ કરવામાં આવ્યો છે. આવા ઠરાવની પાંચ વર્ષ સુધી અમલવારી ન થાય તો નિયમાનુસાર આ ઠરાવ રદ ગણાય છે. જેથી આવા ઠરાવનો હવાલો આપી સફાઈ કર વસુલી શકાય નહિં. તદુપરાંત આ સફાઈ કરમાં જેના પાંચ રૂપિયા હતા તેના પચ્ચીસ, દશના પચાસ અને દશના દોઢસો રૂપિયા જેવો ધરખમ વધારો કરી, મોંઘવારોનો માર જીલી રહેલ પ્રજા માટે આ નિર્ણય દાઝયા પર ડામ સમાન છે.
આ તમામ મુદાઓને ધ્યાને લઈ પાંચ વર્ષ જુનો ઠરાવ કે જે આપોઆપ રદ ગણાય, આવા ઠરાવનો હવાલો આપી વધારેલ સફાઇ કર પાછો ખેંચવા સહેજાદ સમાએ માંગ કરી છે.