“તેરા તુજકો અર્પણ” સંસ્થાના પ્રમુખ ખૂદ હિન્દુ ન હોવા છતા “ધ કશ્મીર ફાઇલ” ફિલ્મના નામે હિન્દુઓની લાગણી ભડકાવી કચ્છનો માહોલ ડહોડતા હોવાનો આક્ષેપ
ભુજ : હાલમાં જ કશ્મીરી પંડિતોના પલાયન પર આધારિત “ધ કશ્મીર ફાઇલ” ના નામે પિક્ચર રિલીઝ કરવામાં આવી છે. આ પિક્ચરને લઈ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે, તેમજ રાજકીય કાવા દાવા પણ શરૂ થઈ ચૂક્યા છે. આ ફિલ્મ પ્રસિદ્ધ થયા બાદ થિયેટરોમાં ઉન્માદ અને ચોક્કસ સમાજને પ્રતાડીત કરવા ષડયંત્ર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ સનાતન પછાત હિન્દુ પરિષદના ધીરજ ગરવા, અંજલી ગોર તથા કિશન પટણી દ્વારા કરવામાં આવ્યો છે.
તેઓએ કલેક્ટર તેમજ પોલીસતંત્રને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ચોક્કસ રાજકીય પક્ષ તથા તેની ભગીની સંસ્થાઓ સાથેની વિચારધારા ધરાવતા અમુક કટ્ટર લોકો કોમી વૈમનસ્ય ફેલાવવા સતત તત્પર હોય છે. પરંતુ કચ્છ જિલ્લામાં પછાત અને સનાતની હિન્દુ સમુદાય કોમી એકતા અને ભાઇચારામાં માને છે. જ્યારે ચોક્કસ લઘુમતિ સમુદાય વિરૂદ્ધ નફરતનો ઝેર ફેલાવવામાં આવે છે, ત્યારે પછાત હિન્દુ વર્ગ પણ પોતાને અસુરક્ષીત મહેસુસ કરે છે. ભવિષ્યમાં આવા ઉન્માદી અને કટ્ટરવાદી લોકોનો ભોગ બનવાનો ડર દલિતો-પછાતો અન્ય સનાતની પછાત હિન્દુ સમાજને સતાવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજકીય રોટલો શેકવા ચોક્કસ આગેવાનો ઉનમાદ ફેલાવી રહ્યા છે, જે ભવિષ્ય માટે ઘાતક છે.
“તેરા તુજકો અર્પણ” સંસ્થાના પ્રમુખ હિતેષ ખંડોર પોતે બિન હિન્દુ હોવા છતા હિન્દુ સમુદાયની આ ફિલ્મના બહાને લાગણી ભડકાવી, ગુમરાહ કરી, નાણાના જોરે ભુજની સેવન સ્કાય મલ્ટીપ્લેક્ષ ખાતે ફિલ્મ જોવા મંગળવારે સાંજે પોતાના સમર્થકો સાથે જઇ ઉન્માદ ફેલાય તેવા સુત્રોચ્ચાર કરેલ હોવાનું પરિષદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં આ સંસ્થાના પ્રમુખે અગાઉ પણ દેવીપૂજક સમાજના મંદિરો તોડી પડ્યા હતા જેનો કોર્ટમાં કેસ ચાલુ હોવાનુ પરિષદે જણાવ્યુ છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ આ ઘટનાને કચ્છની કોમી એકતાના હિતમાં ગંભીર ગણી તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ અને તેના સમર્થકો વિરૂદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા તળે તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા તેમજ મનોરંજન અધિનિયમ અંતર્ગત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચ્છના મળેલ સત્તાના રૂએ થિયેટર સંચાલકોને આવી નિયમ વિરુદ્ધની પ્રવૃતિ ન થાય તે માટે કડક સુચના આપવા માંગ કરી છે.