ગુજરાત કોંગ્રેસના માળખામાં મહામંત્રી તરિકે કચ્છના ત્રણ આગેવાનો : અબડાસા વિધાનસભા અને બન્ની-પચ્છમને અન્યાય થયાનો સૂર

1,010

ભુજ : ગુજરાત કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરાજય બાદ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજીનામુ આપ્યા બાદ થોડા સમય પહેલા નવા પ્રમુખ તરિકે જગદીશ ઠાકરોની વરણી કરાઇ હતી. ત્યાર બાદ સૌ કોઈની નજર નવા સંગઠન પર ટકી હતી.

ગઇ કાલે સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા સંગઠનમાં 25 ઉપપ્રમુખ, 75 મહામંત્રી, પાંચ જણાને પ્રોટોકોલની જવાબદારી તેમજ 19 જિલ્લા-શહેર સમિતિના પ્રમુખની વરણી કરાઈ હતી. આ નવા હોદેદારોમાં કચ્છ માંથી મહામંત્રી તરિકે જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા અને જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ આહિર આગેવાન વી. કે. હૂંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ મંત્રી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેના હોદા પર રહી સંગઠનમાં કામગીરી કરનાર નવલસિંહ જાડેજા તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અને ભુજ વિધાનસભા બેઠક પર 2017 માં પક્ષ તરફથી ચૂંટણી લડનાર આદમ ચાકીને નિમણૂક આપવામાં આવેલ છે. હજી પણ સંગઠનમાં મંત્રીઓના હોદા પર નિમણૂક બાકી છે. મંત્રી તરિકે કચ્છમાંથી કોઈને સ્થાન મળશે કે કેમ તેના પર પણ રાજકીય ચર્ચા થઈ રહી છે.

આ તમામ ઘટના વચ્ચે દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ પ્રેરીત મહત્વપૂર્ણ વિસ્તાર અબડાસા વિધાનસભા અને ભુજ વિધાનસભાના બન્ની-પચ્છમ વિસ્તારને અન્યાય થયો હોવાનો સૂર સોશ્યલ મિડીયામાં દેખાઈ રહ્યો છે. કચ્છમાં કોંગ્રેસ પક્ષ મજબુત સ્થિતિમાં હોય તો એ ભુજ વિધાનસભાનો બન્ની-પચ્છમ વિસ્તાર અને અબડાસા વિધાનસભા મત વિસ્તાર છે. સમગ્ર કચ્છની 10 તાલુકા પંચાયતમાંથી બે તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષનો કબ્જો છે. જે બન્ને તાલુકા પંચાયત અબડાસા મતવિસ્તારની અબડાસા અને લખપત તાલુકા પંચાયત છે. અબડાસા વિધાનસભા બેઠક પર વધુ પડતો સમય કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય રહ્યા છે. તો એજ રીતે બન્ની-પચ્છમ વિસ્તારમાંથી કોંગ્રેસ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકો પર સતત જીત દર્જ કરાવતી રહી છે. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ બન્ની-પચ્છમ વિસ્તાર કોંગ્રેસ પક્ષ તરફી વન સાઇડ વોટિંગ કરી 20 થી 22 હજાર મતોની લીડ અપાવતું રહ્યું છે.

આમ કોંગ્રેસના ગઢ સમાન અબડાસા વિધાનસભા મત વિસ્તાર તથા બન્ની-પચ્છમ વિસ્તારના કોઈ આગેવાનને પ્રદેશના મહત્વપૂર્ણ એવા મહામંત્રીના હોદા પર નિમણૂક ન અપાતા સોશ્યલ મીડિયા પર કોંગ્રેસના તે વિસ્તારના આગેવાન વિરોધ કરી રહ્યા છે. અબડાસા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ઇકબાલ મંધરા દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં અબડાસા વિધાનસભા મત વિસ્તારને પ્રદેશ કક્ષાએ હોદામાં ઠેંગો મળ્યો હોવાનો કટાક્ષ કર્યો છે. આ પોસ્ટ પર અન્ય કાર્યકરોએ પણ કોમેન્ટ કરી “પરિણામ અબડાસા આપે અને હોદા બીજા વિસ્તાર ભોગવે” તેમજ “ખોબે ખોબા મત આપવાનું પરિણામ છે” તેવી નારાજગી બતાવી હતી. બન્ની-પચ્છમ વિસ્તારના સંનિષ્ઠ આગેવાન ઉમર સેરમામદ સમાએ પણ કોમેન્ટ દ્વારા “બન્ની-પચ્છમ અને અબડાસા વિસ્તાર ફક્ત મતો આપવા માટે છે” તેવી નારાજગી વ્યક્ત કરી હતી. એવીજ રીતે બન્ની-પચ્છમના એક કાર્યકર દ્વારા ટવીટ કરી લખવામાં આવ્યું કે બન્ની-પચ્છમના આગેવાનોને પ્રદેશમાં સ્થાન ન અપાયો તેમનો વિરોધ છે.

આમ પક્ષનું નવું સંગઠન જાહેર થતા છાને છપને, તો ક્યાંક સોશ્યલ મીડિયા પર પક્ષ સામે નારજગી દેખાઈ રહી છે. આ વિસ્તારની નોંધ લઇ પ્રદેશ મંત્રી પદની નિમણૂક જે બાકી છે, તેમાં સમાવેશ કરવામાં આવશે કે પછી બાદબાકી જ રાખવામાં આવશે ? તેવો પ્રશ્ન કોંગ્રેસી કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.