દિનારા PHC માં MBBS ડો. ની જગ્યા ખાલી હોવાથી, વિસ્તારના લોકોની આરોગ્ય સેવામાં અડચણ
ભુજ : તાલુકાના પચ્છમ વિસ્તારમાં દિનારા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ( PHC) માં કાયમી તબીબની જગ્યા ખાલી હોવાથી આસપાસના ગામોને આરોગ્ય સેવામાં અડચણ ઉભી થઈ છે. આ મુદે કોંગ્રેસના યુવા આગેવાન સહેજાદ સમાએ જિલ્લ વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
સહેજાદ સમાએ જણાવ્યું કે આ PHC ના કાયમી ડો. ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે બદલી કરી દેવામાં આવી, ત્યાર બાદ ત્યાંનો ચાર્જ આયુષ સેવા હેઠળના ડોક્ટરને આપી દેવાયો છે. આ ડો. દ્વારા કાયદાકીય રીતે દર્દીને ઇંજેક્શન આપવા કે ગ્લુકોઝના બોટલ થકી ડોઝ આપી શકાતા નથી. જેના કારણે દિનારા ગામના આસપાસના કેટલાય ગામડાના લોકોને આરોગ્ય સેવા માટે ભુજ સુધી ધક્કા ખાવા પડે છે. જે ડોક્ટરને ચાર્જ આપવામાં આવ્યો તે પણ નિયમિત હાજર થઈ શકતા નથી. પેરામેડિકલ સ્ટાફ પણ રૂબરૂ હાજર રહેતો નથી. હાલમાં કોવીડ સાથે વાયરલ તાવ જેવી અને બિમારી ચાલી રહી છે. જેથી તાત્કાલિક અસરથી MBBS ડોક્ટરની નિમણૂંક કરી, પેરામેડિકલ સ્ટાફ રેગ્યુલર હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે.
આ બાબતે તાત્કાલિક અસરથી પગલા ન લેવાય, તો આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાની યુવા કોંગી આગેવાન દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.