વકરતા કોરોનાને ધ્યાને રાખી, ભુજમાં યોજાનાર ABVP નો અધિવેશન રદ કરાવવામાં આવે : NSUI
ભુજ : કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસો રોકેટ ગતીથી વધી રહ્યા છે. ગુજરાતની પણ કાંઈક આવી જ પરિસ્થિતિ છે. ગુજરાતમાં ગઈ કાલે 4200 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. તેમાય ખાસ કરી કચ્છમાં 77 કેસો નોંધાયા છે, જેથી કોરોના કચ્છમાં પણ ઝડપી ફેલાઈ રહ્યો છે. તેના વચ્ચે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) નું 53 મું અધિવેશન ભૂજમાં આવતી કાલથી શરૂ થઈ રહેલ છે. આ અધિવેશન રદ કરવા કચ્છ જિલ્લા NSUI દ્વારા માંગ કરવામાં આવી છે.
NSUI પ્રમુખ ઋષીરાજસિંહ જાડેજાએ જણાવેલ કે ભુજ મધ્યે યોજાનાર આ અધિવેશનમાં હજારો વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. હમણા કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગયેલ છે અને ગુજરાતમાં કેસો રોજબરોજ વધી રહ્યા છે. આ અધિવેશનના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના સંક્રમીત થવાનો ખતરો છે. જેથી તાત્કાલિક અસરથી સરકારે ABVPના આ અધિવેશનને રદ કરવો જોઈએ તેવી માંગ NSUI કચ્છના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને લઈ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ રદ કરી દેવાઇ છે. મુખ્યમંત્રીએ 15 જાન્યુઆરી સુધી પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને આજે સાંજે સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિ મુજબ નવી ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભુજમાં યોજાનાર ABVP અધિવેશન રદ કરવા માંગ ઉઠી છે.