ઝુરા ગામમાં સૈયદ પરિવારે બિન હરિફ મળેલી ગ્રામ પંચાયત, ગામને પરત સોપી અનોખી મીશાલ કાયમ કરી
ભુજ : સમગ્ર રાજયમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે. સરપંચની સીટ માટે કેટલાય કાવા દાવા કરી, કેટલાય કિસ્સામાં નૈતિકતાને કોરાણે મુકી દેવાય છે. તો સમજુ લોકો પોતાનો ગામ સમરસ પણ કરાવે છે. પણ ભુજ તાલુકાના ઝુરા ગામમાં ક્યારેય જોવા ન મળે, તેવો અનોખો કિસ્સો જોવા મળ્યો છે.
ઝુરા ગામ અને આસપાસના ગામોમાં આરોગ્ય ક્ષેત્રે ત્રણ પેઢીથી આરોગ્ય સેવા આપતા સૈયદ પરિવારની આ વાત છે. ઝુરાના હયાતશા વલીશા સૈયદ કે જેઓ છેલ્લા 50 વર્ષથી ગામમાં આરોગ્ય સેવા પુરી પાડે છે. ઝુરા તેમજ આસપાસના વિસ્તારના તમામ સમાજના લોકોમાં તેઓ ખૂબ જ આદરણીય સ્થાન ધરાવે છે. આ પરિવાર સંપૂર્ણ બિન વિવાદી છે, ગામમાં સામાજિક, ધાર્મિક સમરસતા જાળવવામાં ખૂબ જ મોટો રોલ આ પરિવારનો છે. તેમનો આખો પરિવાર આરોગ્ય સેવા સાથે સંકળાયેલ છે, પરિવારના હાશમશા હયાતશા, તેમજ હબીબશા અબ્દુલરસુલશા પણ જાહેર જીવનમાં સક્રિય રહી ગામ લોકોની સેવા કરી રહ્યા છે.
હાલમાં ગ્રામ પંચાયતની ચૂટણીના ફોર્મ ભરવાની ધમધમાટ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોને પેનલમાં ક્યા સેટ કરવા તેની ગણતરીઓ માટે મીટીંગના દોર ચાલુ છે. આ દરમ્યાન ઝુરા ગામે પણ ગ્રામ લોકોની સભા ભરાઇ હતી. ઝુરા ગામ 5000 જેટલી વસ્તી ધરાવે છે. ઝુરા અને જતવાંઢ વિસ્તાર આ ગ્રામ પંચાયતમાં છે. આ ગામમાં રાજપૂત ક્ષત્રિય , ભાનુશાલી, મુસ્લિમ, મારવાડા, મહેશ્વરી, બ્રાહ્મણ, ગોસ્વામી, વાઢા, શિખ,જોગી પારાધી વગેરે સમાજો વસવાટ કરે છે. ગામ લોકોની ભરાયેલ સભામાં આ તમામ સમાજના અગ્રણીઓએ સર્વ સંમતિથી હયાતશા વલીશા સૈયદને ગામના બિનહરીફ સરપંચ તરિકે જાહેર કરી ગામની બેજોડ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.
તેનાથી પણ વિશેષ વાત એ રહી કે તે જ સમયે પલ ભરનો વિચાર કર્યા વગર હયાતશા સૈયદ દ્વારા સમસ્ત ગ્રામજનોનો આભાર માની અને સરપંચની બિનહરિફ મળતી ખુરશી ગ્રામ લોકોને પરત સુપરત કરી હતી. તેઓએ જણાવ્યું કે ગામ દ્વારા મને જે સન્માન મળ્યો તેનો આભારી છું, પણ હૂં પદ ગામને પરત કરી, ગામ મારા સિવાય જેને નક્કી કરે તેને સરપંચ તરિકે સ્વીકાર કરીશ, તેમજ ગ્રામ લોકોને જયારે પણ જરૂર પડશે ત્યારે સેવા કરવામાં પાછીપાની નહીં કરે તેવી ખાતરી આપી હતી.
બિનહરિફ સરપંચ કે સમગ્ર ગામ સમરસ થયાના કિસ્સા આપણે કચ્છમાં ઘણા જોયા છે, પણ જે ખૂરશી માટે અમુક સતા લાલચૂ લોકો દિવસ રાત એક કરી નૈતિકતા ભુલી, ગંદા રાજકીય દાવ પેચ ખેલી, યેનકેન પ્રકારે સતા પર બેસવા કોશીસ કરે છે, એવી ખુરશી ગામ તરફથી બિનહરિફ મળતી હોવા છતા, આ સૈયદ પરિવારે સતાનો મોહ રાખ્યા વગર, ત્યાગની ભાવના રાખી કચ્છમાં અનોખી મીશાલ કાયમ કરી છે.