જી. કે. જનરલ હોસ્પિટલમાં મૃત બાળક બદલવાની ઘટના સામે આવતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણીની રજૂઆત : ગેઇમ્સના ડાયરેક્ટરે આપ્યા તપાસના આદેશ
ભુજ : શહેરમાં આવેલી જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ફરી એકવાર બેદરકારીની ઘટના સામે આવી છે. કોકનું મૃત બાળક અન્ય લોકોને આપી દેવાતા પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદે ગેમ્સ ડાયરેક્ટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
આ મુદે રફીક મારાએ જણાવેલ કે ત્રણ દિવસ અગાઉ નખત્રાણા તાલુકાના નેત્રા ગામની એક મહિલાને પ્રસુતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને ઓક્સિજનની કમીના કારણે સી પેપ પર રાખવામાં આવી હતી. આજે વહેલી સવારે આ નવજાત બાળકીના વાલીઓને જાણ કરવામાં આવી કે તેઓની બાળકીનું મૃત્યુ થયું છે. આ મુદે તેઓના પરિવાર જનોએ નવજાત બાળકની બોડી લઇ અને નીકળી ગયા હતા, પણ બોડી પરથી જાણવા મળેલ કે મહિલાએ જન્મ બાળકીને આપ્યો અને બોડી બાળકની છે. ત્યાર બાદ આ મુદે પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાને જાણ થતા હોસ્પિટલમાં તપાસ કરાવતા જે બાળકી મૃત જાહેર કરાઇ હતી તે જીવીત હોવાનો ખુલાસો થયો. એટલે કે બાળકીના પરિવાર જનોને અન્ય બાળકની ડેડ બોડી આપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ આ મુદે ભોગ બનેલા પરિવાર જનો સાથે કલેક્ટરને નવજાત બાળકની બોડી સાથે લઈ રજૂઆત કરવા પહોચ્યા હતા. જો કે કલેક્ટર રજામાં હોવાથી ડી.ડી.ઓ સમક્ષ આ વાત લઈ જઈ રજૂઆત કરાઇ હતી. રજૂઆત સમયે અખિલ કચ્છ સુન્ન મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રા તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પૂર્વ મહામંત્રી સતાર માંજોઠી હાજર રહ્યા હતા.
રફીક મારાએ વધુમાં જણાવેલ કે આ પાંચમો છઠ્ઠો કિસ્સો છે કે જેમાં બાળક બદલી ગયેલ છે. હોસ્પિટલ મેનેજમેન્ટની આવી ઘોર બેદરકારી મુદે અગાઉ પણ તેઓ દ્વારા લેખિત રજૂઆત કરાઇ છે, તંત્ર દ્વારા આ મુદે કડક પગલા ન લેવાતા આવી ગંભીર બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
ગેઇમ્સના ડાયરેક્ટરે આપ્યા તપાસના આદેશ
આ સમગ્ર મામલે જી. કે. જનરલ હોસ્પિટલ (ગેઇમ્સ)ના ડાયરેક્ટર બાલાજી પીલ્લઇ જણાવ્યું કે જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં મૃત બાળક બદલાઈ જવાની ઘટના દૂ;ખદ છે. અને એ અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ જે કોઈપણ જવાબદાર હશે તેની સામે ન માત્ર દંડનાત્મક પગલાં પરંતુ, ફરજ મોકૂફી પણ કરાશે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ ઘટના માનવીય ધોરણે અત્યંત માનસિક આઘાત સમાન છે. જેમાં વાલીઓની લાગણીઓ જોડાયેલી છે. તેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે કડક સૂચના દરેક ડિપાર્ટમેંટને આપી દેવામાં આવી છે. અને આ કિસ્સામાં ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે.
ડો. બાલાજી પિલ્લાઈએ કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી અને સલામતી માટે તબક્કાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે હોસ્પિટલમાં રાષ્ટ્રીય એક્રીડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ (NABH)ના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. અને તે અંગેની કાર્યવાહીની ઝડપમાં ગતિ લાવવામાં આવી છે. .
સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)ના ધારાધોરણ પણ ચુસ્તપણે અમલમાં મૂકી હોસ્પિટલના દરેક વિભાગ સુચારુરુપે ચલાવવા તેમજ નેશનલ ક્ક્ષાએ અમલમાં મુકાયેલી NABH પધ્ધતિને પણ લાવી દર્દીના આરોગ્ય માટે નવી દિશા ખુલશે એમ તેમણે વધુમાં કહ્યું હતું.