ટપ્પર ગામના ખેડૂત 50 વર્ષથી જમીનના હક્ક મેળવવા સંઘર્ષશીલ : સર્વે નંબર 1080 પણ સીમ નકશામાં 725 સર્વે નંબર : મહેસુલ મંત્રીને રજૂઆત

498

ભુજ : મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ટેકનીકલ કારણોસર વર્ષોથી અટવાયેલ ખેડૂતોના પ્રશ્નો નિરાકરણ કરવા પ્રયાસ આદર્યા છે. આ પ્રયાસો અનુસંધાને અંજાર તાલુકાના ટપ્પર ગામના ખેડુતોના પ્રશ્નો હલ થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. ટપ્પર ગામના 500 થી વધુ ખેડૂતો પોતાની વડીલોપાર્જીત જમીનના હક્કો મેળવવા 50 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. તેમજ ટપ્પર સીમના નકશા માંથી 345 સર્વે નંબર નકશામાં બેસાડેલ ન હોવા મુદે જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત મુજબ અંજાર તાલુકાના ટપ્પર ગામના સેંકડો ખેડૂતોની વડીલોપાર્જીત જમીન સરકાર દાખલ થઇ ગઇ છે. જેની રજૂઆત સરકારમાં કરતા કલમ ૩૭(૨) હેઠળ સરકારે કેસ ચલાવેલ અને ૧૪૭ જેટલા ખેડૂતોની જમીનો સરકારશ્રી દ્વારા હુકમ નં. જમન/વશી/૧૯૨૮/૭૩, તા. ૨૫/૦૯/૭૩ મુજબ ખાનગી માલિકીની ઠરાવેલ છે. જેમાં જમીનની બેઠી કિમંત એકર દીઠ રૂ. ૫૦/- તેમજ વર્ષ ૧૯૫૮ થી મહેસુલ ભરવાની શરતે આ જમીનો ખેડૂતોના ખાતે દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વે નં. ક્ષેત્રફળ સાથે ખેડૂતોના નામે કરવાનો હુકમો થયા છે, પરંતુ ખેડૂતો સરકારી કચેરીઓમાં અનેક વખત કબ્જા કિમંત ભરવા ગયા, ત્યારે મામલતદાર કે તલાટીએ રકમ સ્વીકારેલ ન હતી. ખેડૂતોની જમીનોના કેસો ચાલી ગયા બાદ જમીન ખાનગી માલિકીની ઠરાવેલ હોવા છતાં ખેડૂતોને જાણ કર્યા સિવાય નવા પ્રમોગલેશન હક્કપત્રક નોંધ નં. ૩૦૦ માં ખેડૂતોએ કબ્જા કિમંત ભરેલ ન હોવા જેવા એક માત્ર સામાન્ય કારણથી આ જમીન ફ્રીઝ કરી દેવામાં આવી છે. આ જમીનો વર્ષોથી ખેડૂતોના કબ્જા ભોગવટામાં છે, ખેડૂતો વાવેતર પણ કરે છે જેથી ૩૭(૨) હેઠળ થયેલ હુકમ મુજબ કબ્જા કિમંત સ્વીકારી ખેડૂતોની જમીન તેમના ખાતામાં ચડાવવા કરવા કલેક્ટર કચ્છને આદેશ કરવા માંગ કરાઈ છે.

તદુપરાંત ટપ્પર ગામના કુલ્લ સર્વે નંબરો ૧૦૮૦ આવેલા છે, જેમાંથી સીમ નકશામાં માત્ર ૭૨૫ સર્વે નંબરો જ બેસાડેલ છે, બાકીના ૩૫૫ નંબરો એવા છે કે જેના નકશામાંથી ગૂમ છે. આવું તો ગુજરાતના કોઈ પણ ગામમાં બનેલ નહિ હોય કે ૩૦ % સર્વે નંબરો જૂની શરતના હોય, ૭-૧૨ અને હક્કપત્રકોમાં પણ ખેડૂતોના નામે બોલે, પરંતુ સીમ નકશામાં સર્વે નંબરો બેસાડેલ ન હોય. માટે આ ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આ સર્વે નંબરો કયા કારણોસર નકશામાં ચડેલ નથી જે બાબતની તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક લઇ અને તાત્કાલિક ધોરણે ડી.એલ.આઈ.આર. મારફતે સર્વે કરી સીમ નકશાની દુરસ્તી કરી અને તાત્કાલિક ૧૦૮૦ સર્વે નંબર મુજબ સીમ નકશો બનાવવામાં આવે. વધુમાં ખેડૂતોની માલિકીની જમીનો હોવા છતાં જમીનો નકશામાં બેસાડેલ ન હોવાને કારણે ઘણી વખત બેંકો લોન પણ નથી આપતી, કોઈ વીજલાઈનો કે તેલની લાઈનો નીકળે ત્યારે પણ વળતરના પ્રશ્નો ઉભા થાય છે, જેથી ખેડૂતોને એનું ટાઈટલ મળે તે માટે યોગ્ય કરવા જણાવ્યું છે.

આ મુદે કલેક્ટર કચ્છને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વી.કે. હૂંબલ સાથે કોંગ્રેસ મંત્રી રામદેવસિંહ જાડેજા, પ્રવક્તા દિપક ડાંગર, કિશાન કોંગ્રેસ અગ્રણી એચ.એસ.આહિર અને અંજલી ગોર હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.