“વિધાનસભા અધ્યક્ષાના સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા હોય તો બન્ની-પચ્છમના ગામોની પાણી સમસ્યા હલ કરે” : વી. કે. હૂંબલ
ભુજ : થોડા સમય અગાઉ વિધાનસભાના અધ્યક્ષ પદે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. અધ્યક્ષ તરિકે વરણી બાદ કચ્છમાં દરેક સ્થળે વિવિધ સમાજો તેમજ આગેવાનો દ્વારા સન્માન થઈ રહ્યા છે.
આ મુદે કચ્છ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા એવા કોંગ્રેસ અગ્રણી વી. કે. હૂંબલે વિધાનસભા અધ્યક્ષ પર તંજ કર્યો છે. વી. કે. હૂંબલે જણાવ્યું કે તેઓ અધ્યક્ષ બન્યા બાદ કચ્છમાં સતત તેમના સન્માન કાર્યક્રમનો દોર ચાલી રહ્યો છે, કાર્યક્રમોમાં કચ્છના લોકો તેમજ વિસ્તારનું સતત વિકાસ થાય, અટકેલા કામો પૂર્ણ થાય તેવા દાવાઓ કરી રહ્યા છે. ત્યારે ખૂદ તેમના મત વિસ્તાર બન્ની પચ્છમમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે છે. આ મુદે અવાર-નવાર માધ્યમોમાં અહેવાલો પણ પ્રસિદ્ધ થતા રહ્યા છે. વિસ્તારના છેવાડાનું કુરન ગામ સાંસદ દ્વારા દતક લીધેલ ગામ છે, છતાં લોખો પાણી માટે વલખા મારી રહ્યા છે. માટે સન્માન કાર્યક્રમનો દોર પુરો થયો હોય તો અધ્યક્ષા મહોદય આ તરફ પણ ધ્યાન આપે તે માટે પૂર્વ વિપક્ષી નેતાએ ડો. નીમાબેનને પત્ર લખી રજૂઆત કરી છે.
તદ ઉપરાંત બન્ની પચ્છમ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે કારો ડુંગર અને ધોરડો રણોત્સવ માટે વિશ્વ વિખ્યાત છે. પ્રવાસીઓ દેશ-વિદેશ માંથી સતત અહી આવતા રહે છે, ત્યારે આ વિસ્તારના લોકો પીવાના પાણી તેમજ શિક્ષણ, આરોગ્ય સેવાને લઈ સતત અન્યાયનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની સતત ઉપક્ષા કરી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અહિં ખૂબ જ ઉપયોગી ઘડુલી સાંતલપર રોડનું કામ પણ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. માટે પાણી સમસ્યા સાથે આ તમામ સમસ્યા પણ દૂર થવી જોઈએ તેવી માંગ વી. કે. હૂંબલે કરી છે.