562 રજવાડાઓનું સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મ્યુઝમ બનાવવા ઝડપી કામગીરી કરવાની માંગ સાથે માંડવી-મુન્દ્રા ધારાસભ્યનો વડાપ્રધાનને પત્ર
ભુજ : દેશની આઝાદી વખતે 562 જેટલા રજવાડાનો વિલય કરી, લોકશાહિ લઈ આવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી મોટી મુર્તી એટલે સ્ટેચ્યુ ઓફ યુનીટીનું કેવડીયા ખાતે નિર્માણ કરવામાં આવ્યું, આ સ્ટેચ્યુમાં 562 રજવાડાનું મ્યુઝિયમ બનાવવાની કામગીરી ઝડપી કરવા માંડવી-મુન્દ્રા ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી છે.
લેટરમાં જણાવેલ છે કે કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનીટીનું નિર્માણ કરવામાં આવ્યું, જે દેશ અને રાજ્ય માટે ગર્વની વાત છે. પણ જેમના ત્યાગ અને બલિદાન વગર અખંડ ભારતનું નિર્માણ શક્ય ન હતું, તેવા 562 રજવાડાનું મ્યુઝિયમ બને તેવી ક્ષત્રિય સમાજની માંગ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનીટીનું શુભારંભ કરવા આવ્યા ત્યારે તેઓએ આવું મ્યુઝિયમ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ વાતને ઘણો સમય વીત્યો છતાં મ્યુઝિયમ બાબતે નક્કર કામગીરી થઈ નથી અને તેના માટે ફાળવેલ જમીન પણ ખૂબ ઓછી હોવાનું પત્રમાં જણાવ્યું છે.
આ બાબત ધ્યાને લઈ ક્ષત્રિય સમાજની લાગણી મુજબ આ મ્યુઝિયમ ભવ્ય અને વિશાળ બને અને આ મ્યુઝિયમનું કામ વહેલી તકે તેમજ ઝડપી થાય તેવું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી વીરેન્દ્રસિંહ જાડેજાએ માંગ કરી છે.