દેશલપર થી હાજીપીર 16 કિ.મી. રોડ પાંચ જ મહિનામાં ખખડધજ : ભ્રષ્ટાચાર માટે જવાબદારો પર કાર્યવાહી કરો, નહિંતર થશે જન આંદોલન : RDAM
નખત્રાણા : તાલુકાના દેશલપરથી હાજીપીર સુધી બનેલો 16 કિલોમીટર રોડ 5 મહિનામાં જ ખખડધજ હાલત થઈ જતા, આ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી છે. આ ભ્રષ્ટાચાર મુદે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રજાના રૂપિયા 15 કરોડ ના માતબર રકમ ના ખર્ચે કચ્છ જિલ્લા ના નખત્રાણા તાલુકા ના દેશલપર થી વજીરા ફાટક હાજીપીર રોડ 16 કિમી જેટલો રસ્તો બનાવવામાં આવ્યો છે, આ રસ્તો નો કામ પૂર્ણ થયો એને માત્ર 5 મહિના જ થયા છે અને એક જ વરસાદ ની સિઝન પુરી થતા આખો રસ્તો તૂટી ગયેલ છે. આ રોડ પર મોટાપાયે ખાડાઓ-ખાબોચિયા પડી ગયા છે. ખાડાઓ-ખાબોચિયા પડતા ડામર નો નામ-નિશાન નથી દેખાતું, જે સાબિત કરે છે કે આ રસ્તા ના કામ માં મોટાપાયે કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના જવાબદાર અધિકારી, ઈંજનેર,સુપરવાઈઝર દ્વારા પોતાના આર્થિક સ્વાર્થ માટે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આવા અધિકારીઓ,કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને પ્રજાના નાણા નો વ્યય કરી સરકારની તિજોરીને મોટાપાયે નાણાકીય નુકસાન કરવામાં આવ્યો છે, જે એક સરકારી નોકર દ્વારા કરવામાં આવતો ગુન્હો છે. આ કામ ના એસ્ટીમેન્ટ માં વાપરવામાં આવેલ તમામ મટેરીયલ નો તટસ્થ ગુણવત્તા ટેસ્ટિંગ કરવામાં આવે અને કામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ પંચ ની નિમણૂક કરી તટસ્થ તપાસ કરવામાં આવે અને કામ ના કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. તદ ઉપરાંત પોતાની ફરજ પ્રત્યે બેદરકાર અધિકારી, ઈજનેર, સુપરવાઈઝર સામે કાયદાકીય પગલાં ભરી સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ મુખ્યમંત્રી સમક્ષ કરાઇ છે.
વધુમાં મુખ્યમંત્રી પાસે માંગ કરાઇ છે કે તેમને સંલગ્ન વિભાગને તાત્કાલિક સૂચના આપી આ રસ્તો ફરી થી બનાવવામાં આવે અને આમ છતાં સ્થાનિક લોકો માંગણી સ્વીકારવામાં નહિ આવે તો દિન-7 માં દેશલપર થી હાજીપીર 16 કિમી રસ્તા માં ગમે તે જગ્યાએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જરૂરત પડે રસ્તો બ્લોક કરવામાં આવશે અને જ્યાં સુધી આ રસ્તો બનાવવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવી ચિમકી નરેશ મહેશ્વરીએ ઉચ્ચારી છે.