ભુજના લડાયક છબી ધરાવતા યુવા અગ્રણીનો હિતરક્ષક સમિતિના પ્રમુખ માટે દાવો
ભુજ : કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખની વરણી માટે સમાજનાં બુધ્ધિજીવીઓએ કવાયત હાથ ધરી છે તો બીજી તરફ સમાજના યુવાનોએ પ્રમુખ પસંદગીની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય અને પ્રમુખ પદના દાવેદાર સમાજની સર્વ સંમતિ સાધ્યા પછી જ હોદ્દો ગ્રહણ કરે તેમજ પધ્ધતિસર પ્રમુખની વરણી થાય તે માટે યુવાવર્ગ પણ રસ લેતો થયો છે.ભુજના લડાયક યુવા નેતા ઈમરાન જુમા નોડેએ પણ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ પદ માટે દાવેદારી કરતાં તેમનાં સમર્થકોમાં જુસ્સો વધ્યો છે અને સમાજની પ્રતિષ્ઠા પર જયારે જયારે આંચ આવે ત્યારે ઈમરાન નોડેએ મજબુતાઈથી કરેલી લડતો, કોઈની ચાપલુસી કર્યા વિના સર્વ સમાજના લોકો સાથે એકતા અને ભાઇચારાથી રહેવું અને મુસ્લિમ સમાજને બદનામ કરતાં તત્વો સામે આક્રમક લડત આપી આજદિન સુધી કોઈપણ સમાધાન નહીં કરનાર ઈમરાન જુમા નોડેએ પોતાની દાવેદારી નોંધાવી જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજને ગંભીર રીતે ટાર્ગેટ કરીને બદનામ કરવાની પ્રવૃતિ પરાકાષ્ટાએ હતી તેવા સમયે રેલીઓ, રાજકીય હોબાળા અને આવેદનપત્ર આપવાના બદલે અસામાજિક તત્વોની સામે ઉભીને ચર્ચાનો પડકાર ફેંકી મેં સમાજનું અદના કાર્ય કર્યું છે. આ કાર્યમાં તેમના ભાગમાં ઘણું સહન કરવાનું આવ્યું હોવા છતાં તેઓએ નહીં કરીને યુવાવર્ગમાં અનોખી લોકચાહના મેળવી છે.
છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત ચર્ચામાં રહેતાં ઈમરાન જુમા નોડે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરતાં રહ્યાં છે.તાજેતરના વર્ષોમાં મુસ્લિમ સમાજના કેટલાક મુદ્દાઓ પર અલગ જ રણનીતિ અપનાવી આક્રમક વલણ અપનાવ્યું હતું, જેના કારણે તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.ઈમરાન નોડે જણાવે છે કે, કોઈ સમાજ વિરુદ્ધ નહીં, પણ કચ્છની કોમી એકતાની પરંપરા તોડવા માંગતાં તત્વો વિરૂદ્ધ તેમણે લડત કરી છે.
કોંગ્રેસના સિનિયર અગ્રણી હાજી જુમા ઈશા નોડેના પુત્ર ઈમરાન નોડે કોલેજકાળથી કચ્છના બાઈક સ્ટંટના શોખીનોમાં આગવી ઓળખ ઉભી કરી છે.પૈસાદાર લોકો શોખ ખાતર બાઈક સ્ટંટ કરતાં હોય છે, પરંતું ઈમરાન જુમા નોડેએ વિકલાંગો, જરૂરતમંદો અને ગરીબોને મદદરૂપ થવા અનેક સ્ટંટના જોખમી કરતબ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમની આ પ્રવૃત્તિ બદલ તેમને અનેક એવોર્ડ પણ મળેલ છે.તેઓ કચ્છ રેમ્પેજ ગ્રુપના અધ્યક્ષ, અખિલ કચ્છ નોડે સમાજ યુવા પાંખના પ્રમુખ,કસ્વા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય, નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય, બીએમએસ ચેરિટેબલના સભ્ય પદે સામાજિક સેવાઓ આપી ચૂક્યા છે.હાલમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી અને પશ્ચિમ કચ્છ નોડે સમાજના મહામંત્રી પદે કાર્યરત છે. ધંધાકીય રીતે તેઓ ખેતીવાડી, માઈનીંગ, અને વેપાર ક્ષેત્રમાં કાર્યરત છે.
ભુજના ભીડગેટ વિસ્તારમાં રહેતા ઈમરાન નોડેએ વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ મુસ્લિમ સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવા માંગે છે, સમાજમાં બેરોજગારીનું પ્રમાણ ખતમ કરવા માટે નવી તકો ઉભી કરવા સમાજને જગાડવા માંગે છે.મુસ્લિમ સમાજને કોઈપણ ક્ષેત્રમાં અન્યાય થતો દેખાય ત્યારે સમાધાનકારી વલણ નહીં પરિણામ લક્ષી વલણ ધરાવે છે.કોઈપણ રાજકીય નેતા કે વહિવટી તંત્રના અધિકારીઓ સામે નિડરતા પૂર્વક અને શબ્દો ચોર્યા વિના રજૂઆતો થવી જોઇએ.સમાજને અન્યાય થતો હોય તેવા પ્રકરણોમાં ફોલોઅપ લઈને ન્યાય મેળવવો જોઈએ.આ તમામ કાર્યો પોતે નિષ્પક્ષ, તટસ્થતાથી કરવાની લેખિત બાંહેધરી આપવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું.અંતમાં કચ્છના મુસ્લિમ સમાજની મુઠ્ઠી ઉચેરી છબીને તેઓ આગળ વધાવવા અને સમાજ માટે ગમે તેવું યોગદાન આપવા પોતે પ્રતિબધ્ધ હોવાથી અને મુસ્લિમ સમાજમાં પોતે બહોળી લોક ચાહના ધરાવતાં હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ પદ માટે પોતે દાવો કર્યો છે, અને સમાજ જો આ જવાબદારી સોંપશે તો પોતે અડધી રાતે સમાજના હિતમાં ખડેપગે જેમ ભૂતકાળમાં રહ્યા છે, તેમ પ્રમુખ તરીકે પણ ખડેપગે રહેશે તેવી ખાતરી આપી હતી.