ખાવડાની સોલારિસ કંપનીના કેમિકલથી બન્નીમાં વિશ્વ કક્ષાએ લુપ્ત થતી ટીટોડીની પ્રજાતિ અને સાંઢાને ખતરો : જન સુનાવણીમાં રસપ્રદ રજૂઆતો
ભુજ : તાલુકાના ખાવડા સ્થિત સોલારિસ કેમટેક ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા પ્રોજેકટના વિસ્તરણ માટે સરકારમાં અરજી કરતાં આજે ખાવડા મધ્યે જન સુનાવણી યોજાઈ જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કચ્છના આર.ઓ. બારમેડા અને નાયબ કલેકટર સહિત તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ, ભૂગર્ભ જળ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને વન્યજીવો પર કેમિકલની વિપરિત અસરો પડી રહી હોવાનો સૂર જન સુનાવણીમાં વ્યકત કરવામાં આવ્યો હતો.અને ૩૦૦૫ મેટ્રિક ટન પ્રતિ માસથી સીધું ૧,૧૨,૦૦૦ મેટ્રિક ટન જેટલાં મોટા પ્રમાણમાં કેમિકલ ઉત્પાદનને લઈને જન જીવનથી લઈને પર્યાવરણ પર ગંભીર અસરો પડવાની ભીતી સાથે વિસ્તરણને રદ કરવાની માગણી કેટલાંક લોકોએ કરી તો અમૂક લોકો એ વિકાસનો મુદ્દો ઉઠાવીને પર્યાવરણીય નિયમોના ચૂસ્ત પાલન સાથે વિસ્તરણ મંજૂર થાય તે માટે સંમતિ દર્શાવી હતી.
જન સુનાવણીના પ્રારંભે કંપનીના અધિકારીએ બ્રોમિન ઉત્પાદન, જોખમી કચરાના નિકાલ, હવા, પાણી વગેરેમાં પ્રદુષણ ન ફેલાય તે માટે કંપની તૈયાર કરેલ ઈઆઈએ રિપોર્ટની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત કંપનીના કાર્યો અને પર્યાવરણ સહિતના મુદ્દે ભવિષ્યની ડિઝાઈન પર વિસ્તૃત પ્રકાશ પાડયો. ત્યારબાદ નાયબ કલેકટરની સૂચનાથી ઉપસ્થિત અરજદારોની ટિકા ટીપ્પણીઓ સાંભળવાની કાર્યવાહી શરૂ કરી.
સૌ પ્રથમ બન્નીના મોટી દધ્ધરના હારૂન તુગાજી નોડેએ કંપનીના ઈઆઈએ રિપોર્ટ સામે સવાલો ઉભા કરી ખૂલાસા માંગવાની સાથે જન સુનાવણીમાં પચ્છમ વિસ્તારની સાથે ઘાસીયા ભૂમિ બન્ની વિસ્તારનો પક્ષ પણ મૂક્યો હતો. અને ૧૯૫૫ના ઠરાવ મુજબ બન્ની રક્ષિત જંગલ, અને વન અધિકાર કાનુન ૨૦૦૬ અંતર્ગત ચાલતી કામગીરીની સમાંતર જ વિશ્વ પ્રસિદ્ધ ઘાસીયા ભૂમિ, વનસ્પતિ, વન્યજીવન માટે મહત્વના બન્નીના ત્રણ ગામો સૂચિત પ્લાન્ટથી માત્ર એક કી.મી.કરતા પણ ઓછાં અંતરે આવેલ હોવાથી મોટાપાયે જોખમી કેમિકલનું ઉત્પાદન બન્નીની ઘાસીયા ભૂમિ અને પશુપાલનની ઓળખ ભૂંસી નાખશે તેથી વિસ્તરણની પ્રક્રિયામાં આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની માગ કરતાં પ્રત્યુતરમાં કંપનીના અધિકારીએ સ્વીકાર્યું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તાજેતરના આદેશને જોતાં આ અંગે તંત્ર સાથે સંકલન કરવાની ખાતરી આપી હતી.
ભૂગર્ભ જળ વેચાતું લઈને ખેતી માટેના પાણીનો દુરૂપયોગ અટકાવવાની માંગ કરી હતી. કંપની નજીક મોટા પ્રમાણમાં મૃત માછલીઓનો જથ્થો થોડા દિવસો પહેલાં મળી આવ્યો હતો, તેની તટસ્થ તપાસ કરવામાં આવે. કંપની સામે જેટલા પણ વાંધા રજૂ થયા છે, તમામ મુદ્દાની પારદર્શક અને તટસ્થ તપાસ થાય તે માટે લુડીયા, સરગુ,ખાવડા,રતડીયા, દિનારા સહિત અન્ય અસરગ્રસ્ત પંચાયતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક આગેવાનોને સમાવતી ફેકટ ફાઈન્ડીંગ કમિટીની રચના કરી, તમામ વાંધાઓનો અહેવાલ રજૂ કરી ત્યાર બાદ જ કંપનીના પ્રોજેકટને મંજુરી આપવાની માંગ હારૂન નોડે એ કરી.
કક્કર વાંઢના હારૂન સુમરાએ કહ્યું કે કંપની આવ્યા બાદ બન્નીના ઘાસની માત્રા અનૈ ગુણવત્તા બંને ઘટી ગાઈ છે, જેના કારણે પશુપાલન પર ખતરો ઉભો થવાનો ભય રહેલો છે.સ્થાનિક શિક્ષિત યુવાનો અનવર સાધક સમા, ઈસ્માઈલ જુસબ સમા, અબ્દુલ ગની સમાએ રોજગારની તકો ઉભી થશે તે બાબતને આવકારી વિસ્તરણની હિમાયત કરી હતી. પચ્છમના અગ્રણી હાજી અલાના સમાએ જણાવ્યું કે કંપનીના વિસ્તરણને મંજૂરી મળે તેમાં વાંધો નથી, પણ પર્યાવરણના નિયમોનું પાલન થવું જોઈએ.કંપનીના કારણે સ્થાનિક લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી મળે છે, તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનને અનુરૂપ ઉત્પાદનને આવકાર આપ્યો હતો.કંપની સામે આકરા સવાલો પૂછવામાં ખારીના અબ્બાસ ભીંયાએ જન આરોગ્યના મુદ્દે રોષ પૂર્વક રજૂઆત કરી સગર્ભા મહિલાઓ, બાળકોમાં વિવિધ બિમારીઓ વધી હોવની રજૂઆત કરી સ્થાનિક કક્ષાએ આરોગ્યની સૂવિધાઓ ઉપલબ્ધ હોવાનુ જણાવ્યું હતું. આ ઉપરાંત દિનારાના રશીદ તાલબ સમાએ રોજગાર સહિતના મુદ્દાઓ અંગે લેખિત વાંધો રજૂ કર્યો હતો.
લુડીયાના તૈયબ સુલેમાન નોડે એ લેખિત રજુઆત કરી કે કંપની માત્ર અઢી કી.મી.દૂર લુડીયા અને સરગુ ગામ મોટી માનવ વસાહત હોવાં છતાં આ ગામોની નોંધ છેલ્લા ૨૫ વર્ષથી લેવામાં નથી આવતી. લુડીયા સહિતના આજુબાજુના ગામોમાં ખેતીને નુકશાન થઈ રહ્યું હોવાની લેખિત રજૂઆત તેમણે કરી હતી.અંદાજે ૨૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં અને ૧૪ જેટલાં લેખિત વાંધા રજુ થયાં હોવાની માહિતી આપવામાં આવી હતી.પોલીસ બંદોબસ્ત ચૂસ્ત ગોઠવવામાં આવેલ હતો, વરસાદની આશંકાએ ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. કંપનીના પાણીના પાળા નજીક આવેલા ઢંઢી ગામના અકબર સુલેમાન સમાએ પોતાના ખેતરમાં કેમિકલ યુક્ત પાણીએ નુકશાન કર્યું હોવાની ફરીયાદ કરી હતી.
વાંકાનેરથી પર્યાવરણ એક્ટીવીસ્ટ ઉસ્માન ગની શેરાસીયા એ બન્ની ઘાસીયા ભૂમિ, ભૂગર્ભ જળ,અને પ્રદુષણ અંગેના તાંત્રિક મુદ્દા લેખિતમાં રજુ કરી સવાલો ઉભા કર્યા હતાં.તમામ મુદ્દાઓમાં સ્થાનિક પ્રજા સાથે અન્યાય કરવામાં ન આવે તેવી માંગ કરી હતી. ભુજ શહેરના મામદ લાખાએ પર્યાવરણના મુદ્દે ગંભીરતાથી નોંધ લેવા જણાવ્યું હતું, અન્યથા લોકશાહી ઢબે સ્થાનિક લોકો સાથે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.