રાજ્યના ગૃહ વિભાગના પરિપત્રમાં “લવ જેહાદ” શબ્દનો અપરાધની શ્રેણીમાં પ્રયોગ બદલ MCC નો વિરોધ
અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડમાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ પોલીસ વડાઓ તેમજ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓને અમુક વિશેષ અપરાધોમાં ઝડપી રીપોર્ટ મોકલવા આદેશ કરેલ છે. આ અપરાધોમાં “લવ જેહાદ” ના કિસ્સામાં મીડિયામાં આવ્યા પહેલા રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ મુદે માઇનોરિટી કો-ઓર્ડીનેશન કમિટિ (MCC) ગુજરાત દ્વારા વિરોધ નોંધાવતો પત્ર લખવામાં આવ્યો છે.
અધિક મુખ્યસચિવને લખેલા આ પત્રમાં MCC એ જણાવ્યું છે કે ગુજરાતના કોઇ પણ કાયદામાં “લવ જેહાદ” શબ્દનો અપરાધ તરિકે ઉલ્લેખ નથી. આ શબ્દ પ્રયોગ સતાપક્ષ દ્વારા સાંપ્રદાયિક ધ્રૂવીકરણ માટે કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં જેહાદ એ પવિત્ર શબ્દ છે. જેનો મતલબ સંઘર્ષ થાય છે. કોઇ ઉર્દુ, અરબીના જાણકાર પાસેથી આ શબ્દ વિશે જાણકારી મેળવવામાં આવે તો તેનો મહત્વ સમજી શકાય છે. ઇસ્લામ ધર્મ મુજબ સંઘર્ષ શબ્દ કોઇ ખોટા કામ માટે ઉપયોગ કરી શકાતો નથી. ગૃહ વિભાગ દ્વારા “જેહાદ” જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ રાજકીય ષડયંત્રનો ભાગ હોય તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે.
ભારતના સંવિધાનમાં ચેપ્ટર 51 એ (એફ) માં સ્પષ્ટ ઉલ્લેખ છે, કે દેશના પ્રત્યેક નાગરિકની ફરજ છે કે પોતે ધાર્મિક, ભાષાકીય, ક્ષેત્રિય અને સાંપ્રદાયિક મતભેદોની પરવાહ કર્યા વગર, ભારતના તમામ લોકો વચ્ચે પરસ્પર સદભાવના અને ભાઇચારાનું નિર્માણ થાય તે જરૂરી છે.
પણ અધિક સચિવ ગૃહ વિભાગ જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ દ્વારા સંવિધાનની મુળ ભાવનાનો ઉલંઘન કરવામાં આવે તો ગંભી કૃત્ય કહેવાય. આ પવિત્ર જેહાદ શબ્દનો દુરઉપયોગ રોકી, આ પરિપત્રમાં સુધારો કરી, પવિત્ર શબ્દને અપરાધની શ્રેણી માંથી કાઢવા MCC કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.