પેઢીઓથી ગધેડાઓનું સંરક્ષણ કરતા કુંભાર સમાજના લોકો વિરૂદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધનાર PSI ને સસ્પેન્ડ કરો : રફીક મારા

3,170

ભુજ : ગધેડાને ઈંટોના ભઠ્ઠાના કામમાં માટીકામ માટે લઇ જનાર કુંભાર સમાજના વેપારીઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદનો મામલો બિચક્યો છે. આજે કુંભાર સમાજના અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા તથા કુંભાર સમાજના અગ્રણીઓએ આજે પૂર્ણ કચ્છ એસ.પી.ને રૂબરૂ રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું કે કુંભાર સમાજના બે જણા તેમજ આદિજાતીના એક મજુર સહિત ત્રણ જણા ગધેડાને ઈંટોના ભઠ્ઠાના કામ માટે લઇને જઇ રહયા હતા. ત્યારે તેમનો પીછો કરી તેમને પકડી કટ્ટર માનસિકતા ધરાવતા લોકોએ ઢોર માર માર્યો હતો. આ લોકો સાથે ભીમાસર(ભુ) ના સરપંચ પણ સામેલ હતા. આ લોકોએ માર મારી પછી પોલીસને એવું કહીને સોપ્યા કે આલોકો ગધેડાને કતલખાને લઈ જતા હતા. આવી કટ્ટર માનસિકતા ધરાવતા જાડી બુદ્ધિના લોકોને એટલી પણ ખબર નથી કે, ગધેડાના કતલખાના ન હોય. આમેય ઇસ્લામ ધર્મ મુજબ ગધેડાનું માસ ખાવાની મનાઇ છે, કોઇએ ક્યારે એવું સાંભળ્યું પણ નહી હોય કે ગધેડાને માસ ખવાય. ફક્ત દહેશત ફેલાવવા અને મુસ્લિમોને ખોટી રીતે બદનામ કરવા આવા તત્વોએ ત્રણ લોકોને માર મારેલ છે. આ કૃત્યમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક કલમો હેઠળ કેસ નોંધી કાયદાનું ભાન કરાવવામાં આવે, તેમજ કુંભાર સમાજની પેઢીઓ ગધેડાનું સંરક્ષણ કરતી આવી છે, તે સમાજ વિરુદ્ધ કોઈ તટસ્થ તપાસ કર્યા વગર આડેસર પોલીસ મથકના પી.એસ.આઇ. દ્વારા પશુ સંરક્ષણ કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી, બે દિવસ આ લોકોને ગોંધી રાખ્યા હતા, જેના પરથી પી.એસ.આઇ. ની માનસિકતા છતી થાય છે. આવા કટ્ટર માનસિકતા ધરાવનાર અધિકારીના કારણે લોકોનું પોલીસ પરથી વિશ્વાસ ઉડી ગયો છે, માટે આ પી.એસ.આઇ. ને તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી તેના પર તપાસ બેસાડવી જરૂરી છે.

કચ્છમાં કુંભાર સમાજની ખૂબજ મોટી વસ્તી છે, આ સમાજની પેઢીઓ ગધેડાથી માટી કામ કરતી આવી છે. આવા મહેનતકશ સમાજ વિરૂદ્ધ ખોટા કેસ કરી બદનામ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવા રફીક મારાએ પૂર્વ કચ્છ એસ.પી. ને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં રાપર મુસ્લિમ સમાજ પ્રમુખ હાજી ઇસ્માઇલ પણકા, ભચાઉ કુંભાર સમાજ પ્રમુખ હાજી રમજાન ઇશા, એડવોકેટ યાકુબ ધારાણી, ભુજના નૌશાદ હસણીયા, અંજારના અબ્દુલ દાઉદ કુંભાર, ઇલીયાસ ઇબ્રાહીમ કુંભાર, સેલારીના અબ્દુલ કુંભાર, રાપરના અશરફ પણકા, હનીફ હાસમ કુંભાર, સુલેમાન નામોરી વગેરે સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.