ગધેડા કતલખાને લઈ જતા હોવાનો પોલીસે ભીમાસર (ભુ)ના સરપંચના ઇશારે ખોટો કેસ કર્યો : મુસ્લિમ અગ્રણી જુમા રાયમાની તટસ્થ તપાસની માંગ
ગાંધીધામ : રાપર તાલુકાના સેલારી ગામના કુંભાર જુસબ આરબ દ્વારા ઇંટોના ભઠ્ઠામાં કામ અર્થે લઈ જતા ગધેડાને પોલીસે જપ્ત કરી, ભીમાસર ભુટકીયાના સરપંચના ઇશારે આ ગધેડા કતલખાને લઈ જવાતા હોવાનો કેસ કર્યાનું બહાર આવ્યું છે. આ મુદે મુસ્લિમ અગ્રણી હાજી જૂમા રાયમાએ પૂર્વ કચ્છ એસ.પી. ને પત્ર લખી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
શ્રી રાયમાએ જણાવ્યું કે 5 ઓગસ્ટના રાપર તાલુકાના સેલારી ગામના કુંભાર જુસબ આરબ, જે ઈંટોના ભઠ્ઠાનું માટી કામ કરે છે. આ માટીકામના ટ્રાન્સપોર્ટ માટે ગધેડાનો ઉપયોગ કરાય છે. જુસબ કુંભાર દ્વારા કચ્છના લોડાઇ ગામેથી ગધેડા વેંચાતા લઈ, સ્થાનિક સરપંચના દાખલા અને અન્ય કાયદેસર કાગળો સાથે લતીફ અબ્દુલ કુંભારની બોલેરોમાં સેલારી ગામથી વારાહી ખાતે ઈંટોના ભઠ્ઠાના કામ અર્થે લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં આડેસર પોલીસની હદમાં આવતા ભીમાસર (ભૂ) ગામના કોમવાદી માનસિકતા ધરાવતા સરપંચની ફરિયાદના આધારે પોલીસે ખરાઇ કરતા, આ કુંભાર વેપારીઓ દ્વારા તમામ કગળો બતાવ્યા છતાં, આ સરપંચના આગ્રહના કારણે પોલીસે આ ગધેડા કતલખાને લઇ જવાતા હોવાનો કેસ કરી ગધેડા જપ્ત કર્યા છે. કચ્છમાં વસતો કુંભાર સમાજ ગધેડા દ્વારા માટીકામ સાથે વર્ષોથી સંકળાયેલ છે. આ સમાજ દ્વારા ક્યારેય પોતાના ગધેડા કતલખાને મોકલેલ નથી, તેમજ ઇસ્લામ ધર્મમાં પણ ગધેડાનો માસ ખાવું હરામ છે.
આ ખોટી ફરિયાદથી કુંભાર વેપારીઓની બદનામી થઈ છે, જેથી સમગ્ર મુસ્લિમ સમાજના લાગણી દુભાઇ છે. જેથી આ ઘટનાની તટસ્થ તપાસ કરી આવી કોમવાદી માનસિકતા ધરાવતા લોકો સામે કાયદેસરના પગલા લેવા, તેમજ કુંભાર વેપારીઓને પોતાના ગધેડા ખર્ચ સહીત પાછા આપવામાં આવે તેવી માંગ હાજી જુમા રાયમાએ કરી છે.