“પેટ્રોલ કે દામ કમ હુએ કી નહિ હૂએ” : ઉંટગાડી પર વડાપ્રધાનનો ઓડીયો વગાડી દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા મોંઘવારી મુદે અનોખું વિરોધ પ્રદર્શન
ભુજ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. આ મુદે ઘોરનીંદ્રામાં સુતેલી સરકારને જગાડવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આદેશ અનુસાર તેમના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ભુજ મધ્યે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ રેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી ઉંટગાડી સાથે જુબેલી ગ્રાઉન્ડ સુધી યોજવામાં આવી હતી. આ રેલીમાં “હોંશ મે આઓ ભાજપ સરકાર”, “ભાવ વધારો પાછો ખેંચો”, “સસ્તા દારૂ મહેંગા તેલ” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવો ભડકે બળી રહ્યા છે. એવા સમયે ભાજપની સરકાર દ્વારા “અન્ન અધિકાર” ના નામે તાયફાઓ કરી પ્રજાના નાણા વેડફી રહી છે. અન્ન અધિકારની વાતો કરતી સરકાર, મનમાં મેલ ભરી બેઠી છે. કરોના મહામારીમાં સતત લોકડાઉનના કારણે કેટલાય લોકો પોતાની નોકરીઓ ગુમાવી ચૂક્યા છે, જેના કારણે મોંઘવારીના ડામ લોકોને વધુ દઝાડી રહ્યા છે. અચ્છે દીનના વાદા કરનારી સરકારમાં ફકત ભાજપના લોકોના અચ્છે દિન આવ્યા છે. ભાજપ નેતાઓના અવારનવાર કાંડ બહાર આવી રહ્યા છે, જેથી જનતા સારી રીતે જાણી ગઈ છે કે અચ્છે દિન ભાજપના આવ્યા છે, સામાન્ય પ્રજાના તો બુરે દિન જ છે.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ હિતેષ મહેશ્વરીએ જણાવ્યું હતું કે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે સરકારે તાયફાઓ કરવાના બદલે લોકોને સારી આરોગ્ય સુવિધા અને નોકરીઓ આપવી જોઈએ. સતત વધી રહેલ મોંઘવારીને નિયંત્રણમાં લઈ અને પેટ્રોલ, ડીઝલ તથા જીવન જરૂરિ ચીજવસ્તુઓના ભાવોમાં થયેલ વધારા પાછા ખેંચવા જોઈએ. ત્યાર બાદ આવેદન આ મુદે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદીનો ઓડીયો વગાડી અનોખું પ્રદર્શન
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા મોંઘવારી મુદે વિરોધ પ્રદર્શનમાં ઉંટગાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014 લોક સભા ચૂંટણી પહેલા, પેટ્રોલ, ડિઝલના ભાવ મુદે આપેલ ભાષણનો ઓડિયો વગાડયો હતો, જેમાં વડાપ્રધાન બોલી રહ્યા છે કે “પેટ્રોલ કે દામ કમ હુએ કી નહિ હુએ” અને રેલીમાં હાજર લોકો કહી રહ્યા છે , “નહિ હુએ” જે આશ્ચર્ય જનક હતું. આ પ્રકારે વિરોધ પ્રદર્શન દેશના અન્ય રાજ્યોમાં થઈ ચૂક્યા છે, જે સોશ્યલ મિડીયાના માધ્યમથી આપણે જોયા છે. ત્યારે કચ્છમાં પણ આવું અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જુઓ આ વિરોધ પ્રદર્શનનો વિડીયો