કુકમાના સરપંચ વતી, ચાર લાખની લાંચ લેતો વિવાદીત પતિ ACB ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો : સરપંચ સહિત ચાર પર ફરિયાદ
ભુજ : તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ તરીકે કંકુબેન ચુંટાયા ત્યારથી સતત વિવાદમાં રહેલ તેમનો પતિ તેના બે સબંધિઓ સાથે સરપંચ વતી ચાર લાખ જેટલી માતબર રકમની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાતા, ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ACB પી.આઇ. એમ.જે. ચૌધરીએ જાહેર કરેલી વિગતો મુજબ, માઇન્સ એન્ડ મીનરલ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીમાં રેવેન્યૂ નું કામ સંભાળતા એક વ્યક્તિએ આ બાબતે ACB ને ફરિયાદ કરી હતી. આ કંપનીના ઔદ્યોગિક બાંધકામ કરવા મંજુરી આપી આકારણી કરી આપવા મહિલા સરપંચને કહ્યું હતું, જેના બદલે સરપંચ દ્વારા પાંચ લાખની લાંચ માંગવામાં આવી હતી. આ પેટે એક લાખ રૂપિયા અગાઉ લઇ લીધા હતા. બાકીના ચાર લાખ મહિલા સરપંચે મોટી રકમ હોવાથી પોતા વતી તેમનો પતિ તથા અન્ય સબંધિઓ સંપર્ક કરી જણાવે ત્યારે આપી દેવા જણાવ્યું હતું. અન્ય વહિવટી બાબતો પણ આ લોકો તેમને કહેશે તેવું જણાવ્યું હતું. ફરિયાદ આ રકમ આપવા માંગતા ન હોઈ, ACB નો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ ધ્યાને લઈ ACB એ છટકું ગોઠવ્યું હતું, જેમાં ગુરૂવારે ફરિયાદીને નાણા આપવા ભુજના મહાદેવ ગેટ પાસે બોલાવેલ, ત્યારે ચાર લાખની લાંચ સ્વીકારતા સરપંચ પતિ અમૃત બેચર મારવાડા સાથે તેમના સબંધી રવજી આચુ બોચીયા, રિતેશ રવજી બોચીયાને ACB એ રંગે હાથ ઝડપી ત્રણેયની ધરપકડ કરી, મહિલા સરપંચ સહિત તેમના પતિ અને સબંધિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે કુકમા જુથ ગ્રામ પંચાયત મહિલા સરપંચ કંકુબેન ચુંટાયા ત્યારથી તેમના સારા કાર્યોની ચર્ચા કરતા, પોતાના પતિના કારણે સતત વિવાદમાં રહ્યા છે. કુકમાં ગામમાં દબાણોમાં તેઓનો હાથ હોવાની અનેક ફરિયાદો જાગૃત નાગરિકો દ્વારા થઈ છે, તો આ વિસ્તારમાં આવેલી કંપનીઓ પાસેથી મોટું “વહિવટ” કરવા, કંપની સામે ઘર્ષણમાં ઉતાર્યાના કિસસાઓ પણ સામે આવ્યા છે. ચૂંટણીમાં પોતાને વોટ ન આપનારા લોકોને હોદાનો દૂરૂપયોગ કરી, ખોટા ઠરાવો દ્વારા લોકોને કનડગત કરાયાના આક્ષેપો પણ થયા છે. આમ પોતાના ચાર સાડાચાર વર્ષ જેટલા કાર્યકાળમાં મહિલા સરપંચ પોતાથી વધારે પોતાના પતિ થકી સતત વિવાદોમાં રહ્યા છે, આ સમગ્ર ઘટના બહાર આવતા તેમના વિરુદ્ધ વહિવટી તંત્રમાં થયેલ ફરિયાદોની પણ તપાસ થાય તો અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.