71 ના યુદ્ધમાં વીરતા બતાવનાર માધાપરની વિરાંગનાઓનું, સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા સન્માન
ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માધાપર મધ્યે, 71 ના યુદ્ધમાં નારી શક્તિનો પરિચય આપી, બોમ્બ મારાથી ટુટી ગયેલ રનવે યુદ્ધ સમયે ટુંકા સમયમાં ફરીથી બનાવી આપનાર માધાપરની વીરાંગના બહેનોનો સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સન્માન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આદેશથી સમગ્ર રાજયમાં દેશની એકતા અને અખંડીતતા ટકાવવા કાર્ય કરનાર દેશપ્રેમીઓના સન્માન અંતર્ગત, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યજુવેનદ્રસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી અરજણ ભુડીયાની આગેવાનીમાં માધાપરની 20 જેટલી વિરાંગના બહેનોનો સન્માન કરવામાં આવ્યું.
જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે 71 ના યુદ્ધમાં સમગ્ર ભારત દેશમાં પોતાની દેશ ભક્તિની ભાવના થકી નામ રોશન કરનાર વિરાંગના બહેનો વંદનને યોગ્ય છે, ભારતીય સેનાને ભુજની તુટેલી હવાઇ પટ્ટી 72 કલાકમાં ફરી બનાવી આપી હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનને હાર ખમવી પડી હતી, જેના કારણે પાકિસ્તાન સીધુ દોર થઈ ગયો અને આજદિન સુધી સરહદને કોઈ આંચ આવી નથી, માટે આ લોખંડી મનોબળ ધરાવતી વિરાંગનાઓનું સન્માન બંને કોંગી અગરણીઓએ પોતાના જીવનની ગૌરવ સિધ્ધી ગણાવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિરાંગના બહેનો રાધાબેન રવજી પીંડોરીયા, વાલબાઇ લાલજી વોરા, કાંતાબેન હીરજી વોરા, રાધાબેન ગોવિંદ વેકરીયા, હિરબાઇ પ્રેમજી ગોરસીયા, વિરબાઇ કાનજી પીંડોરીયા, સુંદરબેન દેવજી વરસાણી, માનબાઇ વિશ્રામ પીંડોરીયા, સામબાઇ કરશન ખોખાણી, રતનબેન શામજી હીરાણી, વાલબાઇ કાનજી હાલાઇ, વાલબાઇ મુરજી પીંડોરીયા, વીરબાઇ જીણા વાગડીયા, સુંદરબેન વીરજી વેકરીયા, કુંવરબેન વેકરીયાનું સન્માન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ, પ્રદેશ મંત્રી તેમજ ઉપસ્થિત કોંગી આગેવાનોએ કર્યું હોવાનું જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું હતું.