અશ્લિલ રાજકારણનું કેન્દ્ર કચ્છ જ શા માટે..? બહેન-દિકરીઓ વચ્ચે “ખારેક” માત્ર બોલવાથી કચ્છીઓ ક્ષોભ અનુભવે છે..!!

1,392

ભુજ : દુષ્કાળ, ભૂકંપો, ભયંકર યુદ્ધો લડીને કચ્છ “ખમીરવંતુ” બન્યું છે. કચ્છની ખુમારી અને ખાનદાનીને આધાર બનાવીને રાજકારણીઓ સત્તા મેળવી લે છે, પણ કોક સમયે કચ્છની એજ ખાનદાની અને ખુમારીના ચીથરા ઉડાવી, દુનિયાભરના સેક્સકાંડ, જાણે કચ્છમાં જ થતાં હોય તેવું ચિત્ર ઉપસાવવામાં પ્રદેશ અને કચ્છના સ્થાનિક રાજકારણીઓની ભૂંડી ભૂમિકા સામે કચ્છી પ્રજામાં આક્રોશ ફેલાયો છે.

ખારેક એ કચ્છના મહેનતકશ ખેડુતોની ઓળખ છે. ઇઝરાયેલ જેવા દેશ પાસેથી કચ્છી ખેડુતો ખારેકની ખેતી શીખ્યા અને વિશ્વમાં પોતાની ખુમારીનો ડંકો વગાડયો. પરંતુ ભારે અફસોસ જનક છે કે કચ્છી ખેડુતોની ખુમારી પ્રતિક સમાન “ખારેક” ને નલીયાકાંડના દુષ્કર્મી નેતાઓ સાથે એટલી હદે જોડવામાં આવી કે આજે કચ્છના ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં “ખારેક” એ “સેક્સ” નું સમાનાર્થી શબ્દ બની ગઈ છે. મોટા પાયે ચગાવાયેલો “ખારેક” શબ્દ હવે ખેડુતો પોતાની બહેન-દિકરીઓ વચ્ચે બોલવામાં પણ ક્ષોભ અનુભવે છે..!

ગંભીર રીતે નોંધવા જેવી બાબત છે કે રાજકીય ક્ષેત્રમાં કોઈના અંગત જીવનને ટાર્ગેટ કરવાનો સિલસિલો માત્ર કચ્છમાં જ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં આવા બનાવોને મહત્વ અપાતું નથી. તાજેતરમાં જ કોંગ્રેસના અગ્રિમ હરોળના નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના ધર્મ પત્ની વિરૂદ્ધ લિગલ નોટિસ ઇશ્યુ કરીને સામેથી પોતાના અંગત જીવનના રાઝ ખોલ્યા, છતાં વિરોધી પક્ષ કે સોશ્યલ મીડીયામાં આ મુદો એકાદ-બે દિવસમાં જ શમી ગયો હતો ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે નલિયાકાંડ ચર્ચામાં આવ્યું, ત્યારે તેની સમાંતર જ એક આદિવાસી યુવતાનું અપહરણ કરી તેના પર બળાત્કારની ઘટના બની હતી, છતાં વિપક્ષે ‘કથિત” બેટી બચાવો યાત્રાનો આરંભ કચ્છથી જ કર્યો. બહુચર્ચિત નલિયાકાંડમાં કચ્છના ભાગે આવી તો માત્ર બદનામી… બાકી પ્રદેશ કક્ષાની ભાજપ-કોંગ્રેસની નેતાગીરીએ કેવી રીતે સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું, એ પણ કચ્છની પ્રજાએ જોયું… અંતમાં રાજકીય સેટિંગ જ કરવી હોય તો આવા અશ્લિલ અને કોઇના અંગત જીવનને ટાર્ગેટ કરતા મુદ્દાઓ કચ્છમાં જ કેમ મોટા પાયે ચગે છે. શું કચ્છમાં કોઈ મુદો જ નથી બચ્યો ? આવા તીખા સવાલોનો પ્રવાહ ધીમી ધારે, પણ આક્રોશ પૂર્વક સોશ્યલ મિડીયામાં વ્યક્ત થવા લાગ્યો છે.

નલિયાકાંડ પછી “ખારેક” ને સેકસનો પર્યાય બનાવી મૂકનાર પ્રદેશ અને જિલ્લાના રીઢા, નાદાર, નફ્ફટ, બિભત્સ માનસિકતા વાળા રાજકારણીઓ વિરૂદ્ધ ” ખારેક” ની ખેતીમાં લોહી-પસીનો રેડનાર ખેડુતો સોશ્યલ મિડીયામાં રોષ ઠાલવી રહ્યા છે. કચ્છના મહેનતકસશ ખેડુતોની ખુમારીનો પ્રતિક એવી ખારેકને અશ્લિલતાના કોડવર્ડ તરીકે શબ્દ પ્રયોગ થશે તો કોર્ટમાં જઈને કાયદેસર કાર્યવાહીની ચિમકી પણ એક ખેડુતે ઉચ્ચારી છે. આજે “ખારેક” ને બદનામ કરાય છે, આવતી કાલે કચ્છી ભુંગા, કચ્છી અજરખ, સંગીત, ભાષા, રણ, બીચ વગેરેને આ રીઢા રાજકારણી બદનામ નહીં કરે એની ગેરંટી ખરી ? સરવાળે લોકશાહીની દિશા પ્રજા જ નક્કી કરે છે, કચ્છની પ્રજા ઉપર છેલ્લા અમૂક વર્ષોથી થોપવામાં આવેલું અશ્લિલ રાજકારણ બદલાય એના માટે જાગૃત કચ્છીઓ એજ બહાર આવવું પડશે. નહીંતર સજાના જિલ્લા તરીકે સરકારી તંત્રમાં બદનામ કચ્છ જિલ્લો રાજકીય આલમમાં પણ આવા અશ્લિલ પ્રકરણો માટે બદનામ થશે, તેની જવાબદારી દરેક રાજકીય પાર્ટીના નેતાઓની રહેશે.

Get real time updates directly on you device, subscribe now.