હાર્દિક પટેલ ઈદુલ અઝહાની શુભેચ્છા ન પાઠવી, ઈસુદાન ગઢવીના “દાઢી-ટોપી” વાળા નિવેદન પર રાજકીય ઘમાસાણ: કચ્છ AIMIM પ્રમુખે ઉઠાવ્યા સવાલ
ભુજ : ન્યુઝ એન્કરમાંથી આમ આદમી પાર્ટીના નેતા બનેલાં ઈસુદાન ગઢવીએ પોતાના એક વિડીયોમાં મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવી લાગણી દુભાવતા અને હાર્દિક પટેલે ઈદુલ અઝહાની શુભેચ્છા ન આપતાં સોશ્યલ મિડીયામાં આ બંને મુદ્દે ચર્ચા છેડાઈ છે. ઈસુદાન ગઢવી અંગે હજુ ચર્ચા શમી નથી ત્યાં ઈસ્લામી તહેવાર ઈદુલ અઝહા નિમિત્તે પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓએ મુસ્લિમ સમાજને સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી, પરંતું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઈદુલ અઝહાની મુબારક બાદ પાઠવવાનું ટાળતાં તેને લઈને રાજકીય વિવાદ સપાટી પર આવ્યો છે.
કોંગ્રેસમાં પોતાનું કદ વધારવા સતત પ્રયત્નશીલ એવા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની કાર્યકરોમાં ચર્ચાઓ વચ્ચે હાર્દિક પટેલનો ઈતિહાસ અને તેમની વર્તણૂંકને વિરોધીઓ “સોફટ હિન્દુત્વ”નું નામ આપી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં ૨૫ જેટલી સીટો એવી છે, જ્યાં મુસ્લિમોના સાથ વિના કોંગ્રેસ, આમ આદમી પાર્ટી મુસ્લિમ સમાજનાં સાથ વિના જીતી ન શકે. આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના મહત્વના પદ ધરાવતા અને ભવિષ્યમાં સંભવિત મોટી જવાબદારી નિભાવવા બંને પાર્ટીઓએ જેમના પર મદાર રાખવો પડશે, એવા યુવા નેતાઓ હાર્દિક પટેલ અને ઈસુદાન ગઢવીએ મુસ્લિમ સમાજ પ્રત્યે દાખવેલ વર્તણૂંકને લઈને બંને નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. હાર્દિક પટેલે ઈદુલ અઝહાની મુબારક બાદી આપવાથી કિનારો શા માટે કર્યો હશે..? અને ઈસુદાન ગઢવી આતંકવાદ અંગેની ચર્ચામાં મુસ્લિમ સમાજની ધાર્મિક ઓળખ દાઢી અને ટોપીનો જ ઉલ્લેખ શા માટે કરે છે…?
એ સવાલ ઉભો થતાં ગુજરાતના રાજકારણમાં સક્રિય થયેલી ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના કચ્છ જિલ્લાના પ્રમુખ સકિલ સમાએ આ મુદ્દે બંને પાર્ટીના નેતાઓને ઘેરતા સવાલો પૂછ્યા છે. સકિલ સમાએ કહ્યું કે, ગુજરાતના રાજકારણમાં જેમની મહત્તવની ભૂમિકા છે, અને ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસ જે જાતિગત ચહેરા પર મદાર રાખવા માંગે છે, એ હાર્દિક પટેલને ગુજરાતના મુસ્લિમોને ઈદુલ અઝહાની શુભેચ્છા પણ પાઠવવાનું યાદ નથી આવતું, કે પછી “સોફટ હિન્દુત્વ”ની દિશામાં આગળ વધી રહેલ કોંગ્રેસની સોચી સમજી ચાલ છે..? તેમણે આપના ઈસુદાન ગઢવી વિશે જણાવ્યું કે દિલ્હીમાં કોમી દંગાઓ પર ચૂપ રહેનાર કેજરીવાલ ગુજરાતમાં મુસ્લિમ મતો મેળવવા પ્રયાસો કરે છે, પણ આમ આદમી પાર્ટી પણ સરવાળે બિન સાંપ્રદાયિક રસ્તે ચાલવાના બદલે તિલક, જનોઈ, દાઢી,ટોપી વગેરેને જ મહત્ત્વ આપશે એ વાત ઈસુદાન ગઢવીએ સાબિત કરી આપી છે.જો આમ આદમી પાર્ટીની સેક્યુલર છબી હોય તો ઈસુદાન ગઢવી એ ગુજરાતના મુસ્લિમોને જવાબ આપવો પડશે કે આતંકવાદના કે્સો અન્ય ધર્મના લોકો પર પણ છે, છતાં માત્ર દાઢી ટોપીને નિશાન બનાવવા પાછળ કઈ રાજકીય ગણતરી છે..? ભાજપની જેમ આપ પણ બહુમતી મતો મેળવવા લઘુમતિ સમાજના લોકોને ટાર્ગેટ કરે છે એ ગુજરાતના મુસ્લિમો સમજી રહ્યા છે. એમઆઈએમ કચ્છના પ્રમુખ સકિલ સમાએ વધુમાં કહ્યું કે હાર્દિક હોય કે ઈસુદાન ગઢવી કે ભાજપના નેતા, સૌ પોતાની જાતિનું જ ભલું ઈચ્છે છે અને ગુજરાતમાં મુસ્લિમ સમાજને મતબેન્ક જ માનીને ચાલે છે. મુસ્લિમ સમાજનું ભલું તેમની પોતાની જ પાર્ટી અને પોતાનું જ નેતૃત્વ કરી શકશે. કચ્છ સહિત ગુજરાતના ખૂણે ખૂણામાં હવે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન પહોંચી ચૂકી છે, અને મુસ્લિમ સમાજના લોકોને મતબેન્ક સમજનાર નેતાઓની માનસિકતા ખૂલ્લી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જો કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા વગેરે એ ઈદુલ અઝહાની પાઠવી છે, પરંતું પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઈદુલ અઝહાની શુભેચ્છા પાઠવવાનું ટાળતાં એઆઈએમઆઈએમના કચ્છ જિલ્લા પ્રમુખ સકિલ સમાએ આ વર્તણૂંક ને કોંગ્રેસની ” હિન્દુત્વ”ની રાજનીતિ લેખાવી છે.