ગીતા રબારી ફરી વિવાદમાં : રસી અપાવવા ઓનલાઇન રજિસ્ટ્રેશનના બદલે, રાજનેતા સાથે નિકટતા વધુ ઝડપી ? : શું મહિલા હેલ્થ વર્કર રાજકીય ભલામણથી રસી આપવા ઘરે ગયા ?
ભુજ : કચ્છની પ્રખ્યાત લોક ગાયીકા ગીતા રબારી ફરિ એક વખત વિવાદમાં સપડાઈ ગયેલ છે. તેઓને આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરે ઘરે જઈ અને રસી આપતા હોવાના ફોટા વાયરલ થયા બાદ, આ વિવાદ સર્જાયો છે.
હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈ માટે વેકસીનેશન ચાલુ છે. જેમાં 18 થી 44 વર્ષની આયુ વાળા નાગરિકોને ગુજરાત રાજ્યમાં વેકસીન લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોક ગાયિકા ગીતા રબારીના ઘરે જઈ વેકસીન આપી વી.આઇ.પી. ટ્રીટમેન્ટ આપી હોવાના ફોટો વાયરલ થયા છે. એક તરફ યુવાનોને વેકસીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવું પડે છે. આ રજિસ્ટ્રેશન માટે પણ કેટલીયે વખત યુવાનો વેબસાઈટ પર ટ્રાય કરે છે ત્યારે માંડ ક્યાંક સ્લોટ મળે છે. રસી અપાવવા પોતે જયાં રહેતા હોય તેનાથી દૂર પણ જવું પડે છે. યુવાઓને રસી માટે આટલી તકલીફો પડે છે, જ્યારે “ગીતાબેન”ના ઘરે જઈ રસી આપવાની વીઆઇપી સુવિધા અપાય ત્યારે લોકોમાં રોષ ફેલાય તે વ્યવહારીક છે. ગીતા રબારી અગાઉ પણ લોકડાઉનમાં મોરજર ગામે એક કાર્યક્રમમાં ગાઇડ લાઇન ઉલંઘન મુદે વિવાદમાં આવ્યા હતા, પણ તેમના પર ફરિયાદ દાખલ કરાઇ ન હતી. લોકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યુ છે કે કચ્છના રાજકીય યુવાનેતા સાથે તેમની નિકટતાના કારણે તેના પર કાર્યવાહી થતી નથી. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે રસી લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા રાજકીય નેતા સાથેની નિકટતા વધુ ઝડપી છે ?
તંત્ર દ્વારા આ મુદામાં પણ રસી આપનાર મહિલા હેલ્થ વર્કર વિરૂદ્ધ નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. પણ આ નર્સ કોની ભલામણથી ગીતા બેનને ઘરે રસી આપવા ગયા તે મુખ્ય મુદો છે. કર્મચારી સામે કાર્યવાહી તો થવી જ જોઈએ, પણ આ નર્સને જે પણ રાજકીય ભલામણ આવી હોય તે દિશામાં તપાસ પણ જરૂરી હોવાનું લોકોમાંથી સુર ઉઠી રહ્યો છે.