કચ્છ કોંગ્રેસના નેતાઓમાં હિન્દુ હ્રદય સમ્રાટ બનવાની હોડ : કચ્છ AIMIMએ ચોંટીયો ભર્યો..!!.
ભુજ: કચ્છ કોંગ્રેસના એક જૂથમાં જાણે હિન્દુ હ્રદય સમ્રાટ બનવાની હોડ જામી હોય તેમ એક પછી એક નેતાઓના નિવેદન પાર્ટીની સેક્યુલર વિચારધારાથી વિપરિત આવી રહ્યાં છે. કાં કચ્છ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો પર પાર્ટીની પકડ ઢીલી છે અને કાં કચ્છ કોંગ્રેસ પોતાને અલગ જ હિન્દુત્વવાદી બનાવવામાં વ્યસ્ત હોય તેવું જણાઈ રહ્યું છે.
થોડા દિવસો પહેલા જ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પી.સી.ગઢવીએ દામોદર સાવરકર ની પ્રશંસા કરતી ફેસબુકમાં પોસ્ટ કરી દેતાં હોબાળો મચી ગયો હતો અને તેમણે પોસ્ટ ડિલીટ કરી નાંખવી પડી હતી. પી.સી.ગઢવીની વાત હજુ શમી નથી ત્યાં મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોષીએ રામ મંદિરના નિર્માણ અંગે સમગ્ર યશ રાજીવ ગાંધીને આપતાં અને રાજીવ ગાંધીને સાચા “સિંહ” તરીકે ચીતરતા સોશ્યલ મીડિયામાં ભાજપ કાર્યકરો તેમના પર પ્રહારો કરી રહ્યા છે, તો બીજી તરફ કચ્છમાં સક્રિય AIMIM પાર્ટી દ્વારા પણ કોંગ્રેસ પર પ્રહારો કરાતાં કચ્છ કોંગ્રેસના મુસ્લિમ કાર્યકરો વિમાસણમાં મુકાઇ ગયા છે. રામ મંદિર નિર્માણ કોર્ટના ચૂકાદાથી શક્ય બન્યું હોવા છતાં કચ્છ કોંગ્રેસના મહિલા નેતાએ કોંગ્રેસને યશ આપતાં વિવાદ સર્જાયો AIMIM કચ્છના પ્રમુખ સકિલ સમાએ જણાવ્યું કે કોંગ્રેસનું દંભી સેકયુરિઝમ પરથી હવે પડદો ઊંચકાઈ રહ્યો છે.અત્યાર સુધી સેક્યુલર પાર્ટીનાં નામે મુસ્લિમ સમાજના મતો મેળવી સમાજને ગુમરાહ કરનાર કોંગ્રેસના આગેવાનો ખૂદ કોંગ્રેસનો અસલી ચહેરો બતાવી રહ્યાં છે. કોમવાદી માનસિકતા ધરાવતા નેતાઓની કચ્છ કોંગ્રેસમાં કમી નથી, ત્યારે હજુ આગામી દિવસોમાં કોંગ્રેસની વધુ અસલીયત આપોઆપ સામે આવી જશે, ત્યારે કોંગ્રેસી ઉમેદવારને જીતાડવા પૂરાં ઝનૂનથી ઉજાગરા કરીને પાર્ટી માટે કામ કરતાં મુસ્લિમ નેતાઓ અને કાર્યકરોએ દિલથી આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે.
ભૂતકાળમાં તત્કાલીન કોંગ્રેસી ધારાસભ્ય તરીકે પી.એમ.જાડેજાની વીએચપીની સભામાં હાજરી બાદ “ધર્મ સંકટ”માં મૂકાયેલા કોંગ્રેસના નેતાઓ માટે વર્તમાન નિવેદનો ફરી વિવાદનો મધપૂડો છેડી શકે છે. રાજયમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા કચ્છમાં કોંગ્રેસ મુસ્લિમ કાર્યકરોની નારાજગી ટાળવા પગલાં લેશે કે કેમ તેનો જવાબ મળવો મુશ્કેલ છે.