અબજોના ભ્રષ્ટાચારને દબાવવા KDCC બેંકની ચૂંટણીમાં શાસક પક્ષને જીતાડવા “સેંટીંગ” !
ભુજ : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ( KDCC) બેંકની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ગેરરીતી આચરી શાસક પક્ષને જીતાડવા તંત્ર દ્વારા કોશીસ શરૂ કરી દેવાઇ હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે.
તેઓએ પ્રેસ યાદીમાં જણાવ્યું કે KDCC બેંકની ચૂંટણી માટે મંડળીઓના ઠરાવો મંગાવવમાં આવ્યા છે. 758 મંડળીઓના ઠરાવ રજુ થયા છે. આ 758 મંડળીઓ દ્વારા બેંકના 12 ડાયરેક્ટર ચૂંટવામાં આવશે. ઠરાવ રજૂ કરવાની છેલ્લી તારીખ 28/6 હતી. ત્યાર બાદ 12 વોર્ડની મતદાર યાદી જાહેર કરવાની હોય છે. સમય પુરો થઈ ગયા છતા મતદાર યાદી જાહેર કરાઇ નથી. આ સમગ્ર પ્રક્રિયાના મુખ્ય અધિકારી તરિકે જિલ્લા રજીસ્ટ્રાર હોય છે. જિલ્લા રજીસ્ટ્રારે આ મુદે લેખીત સુચના આપી, બેંકના નોટિસ બોર્ડ પર યાદી પ્રસિધ્ધ કરવા જણાવેલ છતાં આજ દિવસ સુધી યાદી જાહેર કરેલ નથી. જે મંડળીઓ એ ઠરાવ આપ્યા છે, તેઓને મંડળી રદ કરવા, મંડળીને ફડચામાં નાખવા, મંડળીને લોન નહિ આપવા, મંડળીને લોન ન આપવા તેમજ ખોટી તપાસોમાં ફસાવવા જેવી ધાક-ધમકી આપી શાસક પક્ષના સમર્થનમાં આવવા દબાણ કરાઇ રહ્યો છે. સતા પક્ષ દ્વારા દર વર્ષે આવી રીતે ગેરરીતી આચરી ચૂંટણી પ્રભાવિત કરી ચૂંટણી જીતવામાં આવે છે. બેંક દ્વાર આપવામાં આવેલ અબજો રૂપિયાની લોન માંથી લગભગ 80% સતાપક્ષના લોકોને આપવામાં આવી છે. બેંકના ચેરમેન શાસક પક્ષના હોવાથી તેમના પક્ષના લોકોને આપેલ લોનની રીકવરી પણ બેંક સ્ટાફના લોકો કરી શકતા નથી. આ રીતે ચૂંટણી જીતી આબજોની લોન ચાઉં કરવાનો ષડયંત્ર હોવાનો આક્ષેપ કરાયો છે.
દેશ હિતની વાતો કરતા ભાજપના લોકો, દેશને નુકસાન કરવામાં પણ કોઈ કસર છોડતા નથી. બે દિવસમાં આ ચૂંટણીની મતદાર યાદી પ્રસિધ્ધ કરી, આ ગેરરીતી રોકવામાં ન આવે તો કાયદાનો શસ્ત્ર ઉગામવાની ચીમકી પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ ઉચ્ચારી છે.