પૂર્વ કચ્છમાં મુસ્લિમ સમાજને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી રહેલ કટ્ટરવાદી તત્વો સામે પોલીસ રક્ષણ આપો : જુમા રાયમા
ગાંધીધામ : છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છમાં કોમવાદી અને કટ્ટરવાદી લોકો અલગ-અલગ જગ્યાએ સમગ્ર મુસ્લિમ સમાજને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી, કચ્છની શાંતિમાં પલિતો ચાંપી રહ્યા હોવાથી, આવા તત્વો સામે નશ્યત રૂપ કાર્યવાહી કરવા DGP ગુજરાતને પત્ર લખી મુસ્લિમ કોંગી અગ્રણી હાજી જુમા રાયમાએ રજૂઆત કરી છે.
પૂર્વ કચ્છના ચાંદ્રાણી ગામે આજે આવા કટ્ટરવાદી તત્વોનું જુથ આગોતરા આયોજન કરી, હથીયારો સાથે જઈ મુસ્લિમ સમાજવાડીની જમીન પર કબ્જો કરવા કોશિષ કરી, શાંતિમાં પલિતો ચાંપવાની કોશિષ કરાઇ હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયેલ છે. સમગ્ર હકીકત જણાવતા શ્રી રાયમાએ કહ્યું કે ભૂકંપ પછી ચાંદ્રાણી ગામનું પુન:વસન થયું છે. આ ગામમાં મુસ્લિમ, રબારી, આહિર આ તમામ સમાજ રહે છે. જેતે વખતે ગામના દરેક વ્યક્તિને રહેવા માટે તથા તમામ સમાજોની સમાજવાડી માટે જમીન તે વખતના સરપંચ સહિતના આગેવાનોએ ફાળવી હતી જે તમામ કાર્યવાહી પંચાયત હસ્તક છે. છેલ્લા વીસ વર્ષથી મુસ્લિમ સમાજવાડીની જામીન મુસ્લિમ સમાજ પાસે છે. અચાનક ગામના સરપંચ તથા અન્ય કટ્ટરવાદી તત્વો દ્વારા આ જમીન પર કન્યાશાળા બનાવવાની હોવાનું ઠરાવ કરી, સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી મુસ્લિમ સમાજના 30 ઘરોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસ મુક પ્રેક્ષક બની, નિર્દોષ લોકોને રક્ષણ આપવાને બદલે મુસ્લિમ સમાજ પર આ જગ્યા ખાલી કરવા દબાણ કર્યું હતું.
અન્ય સમાજની સમાજવાડી ગામમાં છે, છતાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી પોલીસ મદદથી આ જગ્યા ખાલી કરાવવા આવતા ટોળા સામે પોલીસ મુક પ્રેક્ષક કેમ છે ? તેવો વેધક સવાલ જુમા રાયમા દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થાને બદલે રેવેન્યૂ વિભાગનો કામ કરી રહી છે, તે બંધ કરી, આવા કટ્ટરવાદી તત્વો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. અન્યથા ગમે ત્યારે મોટું ઘર્ષણ થાય તો જવાબદારી તંત્રની રહેશે તેવી તાકીદ પણ રજૂઆતમાં કરી છે.