મ્યુકરમાઇકોસિસ બિમારીના ઇલાજ માટે ઇંજેક્શન હવે કચ્છમાં થશે ઉપલબ્ધ : રાજ્ય સરકારનો નિર્ણય
ભુજ : હાલ કોરોના મહામારી દરમ્યાન મ્યુકરમાઇકોસિસ (ફંગસ) ની બીમારીએ માથો ઉચક્યો છે. આ બીમારીના સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં છે. ગુજરાત સરકારે આ બીમારીને મહામારી જાહેર કરી છે. આ બિમારી સામે લડવા સરકારની તૈયારી સામે અનેક આક્ષેપ થયા છે. આ બીમારીના ઈલાજ માટે વપરાતા ઇંજેક્શનની કાળા બજારી અને સોર્ટેજના અનેક અહેવાલો સામે આવ્યા છે. એમ્ફોટેરિસિન-બી નામના આ ઇંજેક્શનની સોર્ટેજ મુદે હાઇકોર્ટે પણ નોંધ લીધી હતી. તો અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય નેતાઓએ આ મુદો ઉઠાવ્યો છે. આ મુદો કચ્છમાં કોંગ્રેસ પ્રદેશ મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવી જણાવાયું હતું કે આ ઇંજેક્શન હમણા સુધી સરકારે ફક્ત 6 જિલ્લામાં જ વિતરણ કરવાની મંજુરી આપી છે. જેથી કચ્છના દર્દીઓના સબંધિઓને આ ઇંજેક્શન માટે 250 કિલોમીટર દૂર રાજકોટ ધક્કો ખાવો પડે છે, માટે જિલ્લા સ્તરે ઇંજેક્શન ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.
આ મુદે રાજ્ય સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. હવેથી કચ્છ સહિત ગુજરાતના 33 જિલ્લાઓની મુખ્ય હોસ્પિટલમાં આ એમ્ફોટેરિસિન-બી ઇંજેક્શન વિતરણની મંજુરી આપી છે. ગાંધીનગર સ્થિત સરકારની તબીબી શિક્ષણ અને સંશોધન કમિશ્નરની કચેરી દ્વારા આ મુદે પરિપત્ર બહાર પાડી રાજયના તમામ જિલ્લાઓની સરકારી હોસ્પિટલ માંથી પ્રાઇવેટમાં સારવાર લેતા દર્દીઓને ઇંજેક્શન મળી રહે તેની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે. આ પરિપત્ર મુજબ કચછમાં હવે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસ બિમારીના ઇલાજ માટેનાં ઇંજેક્શન એમ્ફોટેરિસિન-બી ઉપલ્ધ થશે.