કચ્છમાં કોરોનાથી 9000 મોત થયાનો દાવો : મ્યુકરમાઇકોસિસના ઇલાજ માટેના ઇંજેક્શન કચ્છમાં નથી મળતા
ભુજ : કોંગ્રેસ પ્રદેશ મંત્રી રફીક મારા દ્વાર પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના થી થયેલ મૃત્યુ, વેન્ટિલેટર, ઇન્જેક્શન, દવાઓ તેમજ કચ્છમાં કથડેલી આરોગ્ય વ્યવસ્થા પર આક્ષેપ કર્યા છે.
પત્રકારો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2000 ઓક્સિજન બેડ અને 80 વેન્ટિલેટર કચ્છને ફાળવવાની કરેલી જાહેરાત પોકળ સાબીત થઈ છે. 2000 માંથી 200 બેડ પણ હજી સુધી કચ્છને મળ્યા નથી. તો 80 વેન્ટિલેટરના બદલે એલીયન જેવા ડબલા જેને બાયપેપ નામ અપાયું છે, તે ફાળવાયા છે જે પૈકી 50 જી.કે. માં રખાયા અને 30 કલેક્ટર ઓફીસમાં ધુડ ખાય છે. જી.કે. માં ફાળવેલ 50 માંથી ફક્ત 4-5 મશીન કામ કરી રહ્યા છે. આ મશીનની કીમત 30000 છે, જ્યારે વેન્ટિલેટરની કીમત 12 થી 15 લાખ છે. આવા તકલાદી અને સસ્તા મશીનના બદલે વેન્ટિલેટર આપ્યા હોત તો 500 થી 600 માણસોના જીવ બચાવી શકાય તેમ હતું.
કોરોનામાં મૃત્યુ થયા દર્દીઓના આંકડા પણ છૂપાવવામાં આવે છે. તંત્ર દરરોજ 3 થી 5 મૃત્યુ સતાવાર બતાડે છે, જ્યારે માત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાં દરરોજ 50-60 મૃત્યુ થાય છે. સમગ્ર કચ્છમાં 100 જેટલા મૃત્યુ થાય છે, તે મુજબ હમણા સુધી કચ્છમાં 9000 જેટલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો હતો.
જામનગર સરકારી મેડિકલ કોલેજના 150 વિદ્યાર્થીઓ સંચાલિત હોસ્પિટલમાં 2000 લોકોને સારવાર અપાય છે, જેની સામે અદાણી મેડિકલ કોલેજ કચ્છમાં પણ 150 વિદ્યાર્થી છે, પણ અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ફક્ત 400 લોકોની સારવાર કરાય છે. કચ્છની સરખામણીએ જામનગર હોસ્પિટલમાં મૃત્યુ દર પણ ઓછું છે. ખુદ કલેકટરને કોરોના થયો ત્યારે કલેકટર અદાણી સંચાલિત જી.કે. હોસ્પિટલના ચેરપર્સન હોવા છતા પ્રાઇવેટ ડો. સચિન ઠકકરની હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જેથી સમજી શકાય કે અદાણી હોસ્પિટલનું વહિવટ કેવી રીતે ચાલે છે.
નેશનલ ડિઝાસ્ટર એકટ મુજબ મહામારીમાં મૃતક પરિવારને વળતર આપવાની જોગવાઈ છે, તે મુજબ દરેક મૃતક પરિવારને 400000 રૂ. સહાયની પણ કોંગ્રેસ પક્ષ વતી રફીક મારાએ માંગ કરી હતી.
કોરોના મહામારી વચ્ચે હાલ બીજી મહામારી મ્યુકરમાઇકોસિસની બીમારી ફેલાઇ છે. આ બીમારીના ઇલાજ માટે એનકોટેરીસીન-બી ઇંજેક્શન જરૂર પડે છે. આ ઇંજેક્શન કચ્છમાં ઉપલબ્ધ નથી. સરકારે ફકત 6 જિલ્લાને ફાળવણી કરી હોવાથી, કચ્છના લોકોને 250 કિલોમીટર દુર રાજકોટ ધક્કો ખાવો પડે છે. કચ્છમાં આ ગંભીર બીમારીના 18 જેટલા દર્દીઓ જી.કે. અને 30 જેટલા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, માટે આ ઇંજેક્શન કચ્છમાં મળી રહે તો લોકોના જીવ બચાવી શકાય. આ ઇંજેક્શનની કાળા બજારી પણ હાલ ચાલુ હોવાનું જણાવ્યું હતું. મુળ 2700 આસપાસ કિમતના ઇંજેક્શન હાલ 6000 આસપાસ ભાવમાં મળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે કચ્છીઓને ખમીરવંતા કહી અને મુર્ખ બનાવાય છે પણ તેમને હક્કની આરોગ્ય સુવિધા મળતી નથી.
કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા લખીબેન ડાંગર દ્વારા કચ્છના PHC અને CHC માં 50% સ્ટાફની કમી, દવાઓનો અપુરતો જથ્થો અને ઓક્સિજનની કમીના કારણે લોકોના મૃત્યુ થતા હોવાનું જણાવ્યું હતુ.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા સાથે, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા લખીબેન ડાંગર, સેવાદળ પ્રદેશ મંત્રી માનસી શાહ, જિલ્લા મંત્રી રમેશ ડાંગર હાજર રહયા હતા. સમગ્ર વ્યવસ્થા પશ્ચિમ કચ્છ સેવાદળ પ્રમુખ આકીબ સમાએ સંભાળી હતી.