કોવિડ-19 અને મ્યુકોરમાઇકોસિસ જેવી મહામારીમાં ઉપયોગી દવાઓ અને ઉપકરણોના ભાવ નિયંત્રિત કરવા જરૂરી
અમદાવાદ : દેશમાં હાલ કોરોનાની બીજી લહેર માંડ શાંત થઈ રહી છે, તે વચ્ચે મ્યુકોરમાઇકોસીસ (ફંગસ) જેવી ગંભીર બીમારીએ અનેક રાજયોમાં દેખા દીધી છે. ગુજરાત, રાજસ્થાનમાં આ બીમારીને મહામારી જાહેર કરાઇ છે. ત્યારે આ બિમારીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તથા મેડીકલ ઉપકરણોના ભાવ નિયંત્રિત કરવા રજૂઆત કરાઇ છે.
માઇનોરિટી કોઓર્ડીનેશન કમિટિ (MCC) દ્વારા આ મુદે ભારત સરકારના આરોગ્ય મંત્રીને પત્ર લખાયો છે. જેમાં જણાવ્યું છે કે હાલ ચાલી રહેલ કોરોના મહામારી અને મ્યુકોરમાઇકોસિસ જેવી બીમારીઓ સામે લડવા રસી, ઇમ્યુનોલોજિકલ ઇન્જેક્શન જેવા કે રેમડીસીવર, ફેબીફ્લુ, ટોસિલીઝુમ્બ, ઇવરમેક્ટિન તેમ મેડીકલ ઉપકરણો ઓક્સિજન સીલીંડર, ફ્લોમીટર, ઓક્સિમીટર, વેન્ટીલેટર, સેનેટાઇઝર જેવી વસ્તુ જીવન રક્ષક બની ગઇ છે. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આ તમામ દવાઓ તથા ઉપકરણોના ભાવ આડેધડ છે, તેમના પર કોઈ નિયંત્રણ નથી. રોગચાળાના કપરા કાળમાં આ ઉપકરણો તથા દવાઓના ઉત્પાદકો દ્વારા લેવાતા મનસ્વી દરો અને કાળા બજારી થકી પ્રજાને તકલીફ પહોંચી રહી છે. આવા કપરા કાળમાં નાગરિકોની ખૂલ્લી લૂંટ થઇ રહી છે. નેશનલ ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ પોલિસી 2012 ભારતને સૂચિત કરવામાં આવી છે, જેના ફકરા 3 માં ડ્રગ્સની જરૂરિયાત અને બજાર આધારિત ભાવ નિયંત્રણ કરવાની જોગવાઈ છે. તેમજ કોરોના અને મ્યુકોરમાઇકોસિસ જેવી બીમારીઓને લગતી દવાઓને (Essential drug list) આવશકય દવા સૂચીમાં સામેલ કરવી જોઈએ.
આ તમામ બાબતોને ધ્યાને લઈ ભાવો નિયંત્રીત કરવા જોઇએ જેથી પ્રજાને કપરા કાળમાં દવાઓ વ્યાજબી ભાવે અને સરળતાથી ઉપલબ્ધ થાય. ઉપરાંત આવી તમામ દવાઓ પર સરકાર 5% થી 12% ટેક્ષ લે છે તે પણ માફ કરે તો દવાઓ સસ્તી થઈ શકે છે તેવું MCC ના કન્વીનર મુજાહિદ નફીસે સરકાર સમક્ષ માંગ કરી છે.