ભુજના નગરપતિ દ્વારા અનુ.જાતિ પૈકીની વાલ્મીકી સમાજ માટે અણછાજતા શબ્દ પ્રયોગ બદલ એટ્રોસીટી હેઠળ FIR નોંધવા માંગ
ભુજ : શહેરના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં અનુસુચિત જાતિમાં આવતી વાલ્મીકી સમાજ માટે અણછાજતો અને અપમાનીત શબ્દ પ્રયોગ કરાતા, તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા માંગ ઉઠી છે.
આ મુદે આજે પશ્ચિમ કચ્છ એસ.પી. સમક્ષ દલિત અધિકાર મંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપ શાસિત ભુજ નગરપાલીકાના પ્રમુખ દ્વારા વાલ્મીકી સમાજને અપમાનિત કરતા શબ્દનો પ્રયોગ કરાયો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ જાણે માનસિકતા બદલાઇ ન હોય, તેમ સવર્ણ લોકો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ માટે આવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. ઉચ્ચ હોદા પર બિરાજમાન, જેમને ભુજ શહેરના પ્રથમ નાગરિક નો દરજજો મળેલ છે, તેવા ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા આવા જાતિ અપમાનિત શબ્દ પ્રયોગ કરવાથી તેમની માનસિકતા છતી થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
વધુમાં દલિત અધિકાર મંચ દ્વારા જણાવાયું કે હાલમા જ તારક મહેતા ફેમ અભિનેત્રી મુન મુન દત વિરૂદ્ધ જાતિ અપમાનિત શબ્દ પ્રયોગ બદલ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે, ત્યારે ભુજના નગરપતિ વિરૂદ્ધ પણ જાતિ અપમાનિત શબ્દ ઉચ્ચારણ કરી, સમગ્ર સમાજની લાગણી દૂભાવવા બદલ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થાય તેવી માંગ દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કરવામાં આવી છે. આ મુદે દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી સાથે હોદેદારો જોડાયા હતા.