કચ્છમાં AIMIM સક્રિય રીતે મેદાનમાં, અત્યાર સુધીનો સૌથી ખરો ત્રિપાંખિયો જંગ જામશે…!!
ભુજ : આમ તો કચ્છ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ફાવતો નથી એવી લોકોની ધારણાં છે.શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઈ પટેલ અને છેલ્લે આમ આદમી પાર્ટીએ પણ નશીબ અજમાવી જોયું, પણ સફળતા ન મળી. પરંતુ નજીકના ભૂતકાળમાં હૈદરાબાદના બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ રાજ્યની નગર પાલિકા અને મહા નગરપાલિકા ચૂંટણીમાં જે રીતે એન્ટ્રી કરીને સફળતા મેળવી છે, એ જોતાં ભાજપ-કોંગ્રેસમાં દોડાદોડી સર્જાઈ ગઈ છે. આ પાર્ટીને સૌથી પહેલાં કચ્છમાં સક્રિય કરવાની ગણતરીની ખૂબ ચર્ચાઓ હતી પણ એક યા બીજા કારણોસર AIMIMના નેતાઓએ કચ્છથી દૂરી બનાવી રાખી. લોકોના ભારે પ્રતિસાદના પગલે પાર્ટીએ સેન્સ પ્રક્રિયા બાદ મજબૂત છાપ ધરાવતા અને વિવિધ મુદ્દે તંત્ર સામે અવારનવાર લોકશાહી રીતે મજબુત લડત આપતા ઉત્સાહી યુવા નેતા સકિલ સમાને પ્રમુખપદે નિયુક્તિ આપ્યા બાદ હવે AIMIMનો કચ્છ જિલ્લામાં પગ પેસારો નક્કી છે એ વાતને ભાજપ-કોંગ્રેસ અવગણી શકે નહીં. નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ સકિલ સમા દાવો કરી રહ્યા છે કે કચ્છના ગામેગામથી AIMIMને સમર્થન મળી રહ્યું છે.
વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં યોજાનાર છે, જેના વિશે અત્યારે કંઈ પણ કહેવું ઘણું વહેલું લેખાશે, પરંતું જિલ્લા પ્રમુખ પદની જાહેરાત સાથે જ મુસ્લિમ અને દલિત સમાજના કાર્યકરોનો ઉત્સાહ ૨૦૨૨ અંગે ખૂબ જ રસપ્રદ ઈશારો આપે છે.ત્રીજો પક્ષ ફાવતો નથી એ થીયરીનો કદાચ ૨૦૨૨માં છેદ ઉડી જાય તો નવાઈ નહીં. એમઆઈએમની ચૂંટણીઓમાં સફળતા ઉપરાંત કેટલાંક મજબૂત નિવેદનો અને રાજકીય રણનીતિ લોકોને આકર્ષી રહી છે. સીએએ, એનઆરસી બિલની કોપીઓ અસદુદ્દીન ઓવૈસી દ્વારા સંસદમાં ફાડી નાંખવામાં આવી, વિરોધ કરવાની આ આક્રમક વલણ દર્શાવતી ઘટનાએ લઘુમતિઓમાં તેમની લોકપ્રિયતા વધારી દીધી છે. કચ્છમાં પ્રમુખ બાદ પાર્ટીનું સંગઠન માળખાની પણ જાહેરાત થશે પણ ૨૦૨૨માં જો વિધાનસભા ચૂંટણી જંગમાં ઓવૈસીની પાર્ટી કચ્છની અમૂક સંભવિત બેઠકો પર ઉમેદવારો ઉતારે તો ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિપાંખિયો જંગ જામશે તેના એંધાણ જોવા મળી રહ્યા છે.