મુખ્યમંત્રી કોરોના મુદે કચ્છ આવ્યા, પણ તેમના આગમન પહેલા આ મુદે રજૂઆત કરવા ઇચ્છતા પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને દલિત અધિકાર મંચના કાર્યકરોની ધરપકડ
ભુજ : સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીએ ભયાનક રૂપ ધારણ કર્યું છે. તો કચ્છમાં પણ કોરોના બેકાબુ બન્યુ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોરોના મુદે સમીક્ષા કરવા કચ્છમાં આવ્યા છે.
આ મુદે પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા દ્વારા રજૂઆત માટે સમય માંગવામાં આવ્યો હતો. પણ તંત્રએ સમય ન આપ્યો. રફીક મારાએ જણાવ્યુ કે તેઓ રૂટીન મુજબ દર્દીઓની ખબર અંતર પુછવા આવ્યા, ત્યારે પોલીસે તેઓની ખોટી રીતે ધરપકડ કરી છે. તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ જી.કે. ની કથડેલી આરોગ્ય વ્યવસ્થા મુદે તેઓ રજૂઆત કરવા માંગતા હતા, પણ પોલીસે સરકારના ઇશારે તેમની IPC ની ખોટી કલમો તળે ધરપકડ કરી ગરીબોનો અવાજ દબાવવાની કોશીસ કરી છે. તેઓએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમન પહેલા તંત્ર દ્વારા જનરલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારી અને સબ બરાબર હોવાનું આભાષ કરાવેલ છે. આમ મુખ્યમંત્રી સતત કચ્છ આવતા રહે તો ગરીબોને આરોગ્ય સેવા સારી મળી રહે તેવો કટાક્ષ રફીક મારાએ કર્યો હતો.
આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમની પણ ધરપકડ કરવામાં આવી છે. મંચના નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે અમે જી.કે. માં કોવિડ મહામારીમાં ઇન્જેક્શન, વેન્ટિલેટર અને ઓકસીજનની કમી તેમજ કથડેલી આરોગ્ય વ્યવસ્થા મુદે રજૂઆત કરવા માંગતા હતા. તે સિવાય સરકારે કચ્છમાં પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજુરી આપી છે, પણ કોરોનાની સારવાર મુદે ભાવો નકકી કરેલ નથી. કોવિડની માન્યતા વાડી હોસ્પિટલો કોરોના સારવાર માટે 40-50 હજાર રૂપિયાનો ચાર્જ વસુલે છે જે કચ્છના ગરિબોની ક્રૂર મજાક છે. આ હોસ્પિટલોને માન્યતા આપવા સાથે સારવારના ચાર્જ પણ નક્કી કરવા જોઈએ. તેમજ આ હોસ્પિટલમાં ચાલી રહેલ સારવાર મુદે સરકારના અધિકારીએ હજી સુધી ક્યારેય આવી હોસ્પિટલોની મુલાકાત લિધી નથી. આવી હોસ્પિટલમાં અધિકારીઓએ સારવાર મુદે વીઝીટ લેવી જોઇએ તેવી માંગ દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી કરી છે.
આ મુદે મુખ્યમંત્રીના આગમન પહેલા જ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા, દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, વિશાલ પંડયા, રમણીક ગરવા, દિનેશ મારવાડા, ઇમરાન કુંભાર સહિતના આગેવાનોની પોલીસે ધરપકડ કરી છે.