કચ્છના વન્યજીવન પર લખપતના યુવકે બનાવેલી ડોક્યુમેન્ટરીનો સોશ્યલ મીડિયામાં ડંકો
ભુજ: લખપતના પર્યાવરણ પ્રેમી યુવકે વન્યજીવો અને કુદરતની કળા તેમજ પ્રકૃતિના રંગોને કેમેરાની આંખે જોઈ તેને સોશ્યલ મીડિયામાં વહેતાં કરતાં દેશ-દુનિયામાં વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી ક્ષેત્રે કચ્છનું નામ રોશન કર્યું છે.
લખપતના લિયાકત અલી નોતિયારને નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ છે. કુદરતના રંગો અને વન્ય જીવોનું અવલોકન, વન્યજીવોના સૌંદર્યને કેમેરામાં ક્લિક કરતાં કરતાં વન્યજીવનની એક એક પળને ઝડપી લેવાનું કૌશલ્ય વિકસતાં લિયાકત અલી નોતિયારે કચ્છના વન્યજીવન પર પ્રોફેશનલ, કલાસિફાઈડ વિડીયો ગ્રાફી કરીને ઉચ્ચ ગુણવત્તાના દ્રશ્યો બતાવતી ડોકયુમેન્ટરી બનાવીને કચ્છના યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.
વર્ષ ૨૦૧૨માં સફેદ રણ ધોરડો ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પક્ષીવિદોના સંવાદમાં ઉપસ્થિત રહેનાર લિયાકત અલી નોતિયાર ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પક્ષીવિદ સલીમ અલી વિશે જાણ્યાં બાદ તેમનાં પક્ષી પ્રેમમાંથી પ્રેરણા લઈને કચ્છની વન્યજીવન સૃષ્ટિ માટે કંઈક કરવાની ઈચ્છા શક્તિ વિકસાવી, એક એક દ્રશ્ય ઝડપી પાડવા રઝળપાટ કરી, અંતે પાંચેક મિનિટની જે ડોકયુમેન્ટરી બનાવી છે, એ ખરેખર હ્રદયસ્પર્શી હોવાનું દર્શકો જણાવે છે.
આ ડોકયુમેન્ટરી જોયાં બાદ સાંસદ વિનોદ ચાવડાએ અભિનંદન પાઠવ્યા, તો રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે કચ્છના પ્રવાસન ક્ષેત્રે આ ડોક્યુમેન્ટરી પ્રવાસીઓને આકર્ષશે અને કચ્છનું નામ રોશન કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીએ પણ આ ડોકયુમેન્ટરીના ભરપેટ વખાણ કર્યા છે. અમેરિકાના પ્રવાસી, બ્રાયન બોન્ડે પણ ડોક્યૂમેન્ટરી જોઈને પ્રશંસા કરી છે.
આ અદભૂત ડોકયુમેન્ટરી જોવા અહીં ક્લિક કરો 👇