અબડાસા વિધાનસભાના પરાજયના 4 મહિના બાદ તાલુકા પંચાયતની જીતમાં કોંગ્રેસને પૂર્વ તાલુકા પ્રમુખની “કિંગ મેકર” ની ભુમિકા ફળી
ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનુ સમગ્ર કચ્છમાં પ્રદર્શન ખરાબ રહ્યુ જે ગઈ કાલે આવેલ પરિણામ પરથી સ્પષ્ટ થયું છે. પણ સર્વત્ર ચર્ચા એક જ છે કે હજી ચાર મહિના અગાઉ થયેલ વિધાનસભા પેટ ચૂંટણીમાં મળેલ પછળાટ માથી ઉભરી અને કોંગ્રેસ અબડાસા તાલુકાની સતા પર કેમ આવી.
અબડાસાના રાજકારણમાં અગાઉ મર્હુમ ઇભલા શેઠ “કિંગ મેકર” ની ભૂમિકા ભજવવામાં જાણીતા હતા. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર ઈકબાલ મંધરાએ પણ આ પરંપરા યથાવત રાખી છે. 2017 વિધાનસભામાં પ્રદ્યુમનસિંહ જાડેજાની જીતમાં તેઓએ મુખ્ય રોલ ભજવ્યો હતો. પણ 2020 માં પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા, અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં નુંધાતડ ના હનીફ જાકબબાવા પડેયારે કોંગ્રેસથી નારાજગી જતાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેઓને 25 હજાર જેટલા મતો મળતા કોંગ્રેસની આ બેઠક પર કારમી હાર થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હનીફ પડેયારે અપક્ષ ઉમેદવારોની પેનલ બનાવવાની તૈયારી કરી લીધી હતી. આ સમયે ઈકબાલ મંધરાએ સક્રીય થઈ હનીફ પડેયારની કોંગ્રેસ સાથે રહેવા સમજાવટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હનીફ પડેયારને આ મુદે સમજાવવા પ્રદેશના સીનિયર અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરાવી હતી. ત્યાર બાદ અબડાસામાં કોંગ્રેસ પક્ષમાં હનીફ પડેયારને સાથે રાખી તાલુકા પંચાયત બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા, તેમજ સતા હાસલ કરવાની વ્યૂહ રચનામાં પોતાની મહત્વની ભુમિકા ઈકબાલ મંધરાએ ભજવી હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ કોઠારા તાલુકા પંચાયત બેઠક પણ 450 મતથી કોંગ્રેસ ઉમેદવારને જીત અપાવી હતી.
અબડાસામાં હનીફ પડેયાર સાથે કોંગ્રેસ પક્ષના પ્રભારીઓ, આગેવાનો તથા પાયાના કાર્યકરોના અથાગ મહેનત કરી પોતાની ફરજ બજાવી પક્ષને જીત અપાવી તેમા બે મત નથી, પણ પૂર્વ તાલુકા પ્રમુખ ઈકબાલ મંધરાએ આ તમામ પરિસ્થિતિ ઉભી કરવામાં તેમજ હનીફ પડેયારની સમજાવટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી, જે જોઇએ તો તેમની “કીંગ મેકર” ની ભુમિકા કોંગ્રેસને ફળી છે તેવુ કહેવું કાઇ ખોટું નથી.