માધાપરમાં જયંત માધાપરીયાનો ભવ્ય રોડ શો : માત્ર પોસ્ટરોમાં ચમકતી કોંગી છાવણીમાં એકાએક સન્નાટો
ભુજ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચાર હાલ અંતિમ તબક્કામાં છે. તમામ ઉમેદવાર પ્રજાને પોતાની તરફ આકર્ષવા મહેનત કરી રહ્યા છે. તેના વચ્ચે આજે માધાપર જિલ્લા પંચાયત બેઠકના માહોલે કરવટ લેતા કોંગી છાવણીમાં અચાનક સન્નાટો આવ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે.
માધાપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકના ભારતીય જનતા પક્ષના મહિલા ઉમેદવાર નવા ચહેરા છે. જયારે કોંગ્રેસ માથી પ્રદેશ મંત્રી અરજણ ભુડીયાના પુત્રવધુ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. માધાપરમાં ચૂંટણી પ્રચારની શરૂઆતમાં ભાજપના નવા અને બિનઅનુભવી ઉમેદવારો સામે અરજણ ભુડિયાની કોંગ્રેસની ટીમ મજબુત હોવાની ગામમાં ચર્ચા હતી.
આ સમગ્ર ચર્ચા પાછળ જુના જોગીઓની નિષ્ક્રિયતા જવાબદાર હતી. સતત ત્રણ ટર્મથી ભાજપની જિલ્લા પંચાયત બેઠક સાચવી બેઠેલા ભાજપના કદાવર પાટીદાર અગ્રણી જયંત માધાપરિયાની આ ચૂંટણી દરમ્યાન ગેરહાજરીની સર્વત્ર ચર્ચા હતી. જેના કારણે ભાજપનો ગઢ મનાતી માધાપર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ કબ્જો કરી લેશે તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી હતી. જો કે અરજણ ભુડીયા ગ્રામ પંચાયતમાં 15 વર્ષમા પોતે કરેલા કાર્યો જનતા સમક્ષ મુકી પોતાની પેનલને જીતાડવા મેદાને ઉતર્યા છે. પણ આજે અચાનક જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને માધાપરના પાટીદાર અગ્રણી જયંત માધાપરિયાએ જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કરતા, જાણે માધાપર બેઠકના વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ બેઠકનો પરિણામ 28 તારીખે પ્રજા નક્કી કરશે પણ માધાપરમાં રોડ શો યોજી, ભાજપના જુના જોગીએ પોતાની હાજરી પુરાવતા માધાપર જિલ્લા પંચાયત બેઠકના વાતાવરણે કરવટ લીધી હોવાથી કોંગ્રેસ માટે બેઠક જીતવી મુશ્કેલ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.