કોરોના ને લઈ તંત્ર સજાગ, પણ રાજનેતા બેફીકર : માધાપર ભાજપ કાર્યાલય ઉદઘાટનમાં સોશ્યલ ડિસ્ટન્સનું ભંગ : ખૂદ ધારાસભ્યએ માસ્ક નીચુ રાખ્યુ

517

ભુજ : વિદેશ તેમજ ભારતના અમુક રાજયોમાં કોરોનાનો નવો સટ્રેઇન આવતા કોરોના મુદે ફરી ચીંતા વધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ અચાનક વધ્યા છે. કચ્છનો મહારાષ્ટ્ર સાથે કૌટુંબીક તેમજ ધંધાર્થી સંબંધો છે. આ ચિંતાને પહોચી વળવા કચ્છના વહીવટી તંત્રએ પોતે સજાગ હોવાનો દાવો કર્યો છે. તેની વચ્ચે સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં ચાલી રહેલ ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજનેતાઓને જાણે કોરોનાની કોઈ ફીકર ન હોય તેવુ ચિત્ર દેખાઇ રહ્યુ છે. ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ હાલ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદઘાટન તેમજ સભાઓ કરી રહ્યા છે. મોટાભાગના આ રાજકીય કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇન નો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. ચૂંટણીઓ આવતા જ કોરોના જાણે સંપૂર્ણ નાબુદ થઈ ગયો હોય તેમ ભાજપ- કોંગ્રેસ સહિત તમામ પક્ષ તેમજ અપક્ષના ઉમેદવારો અને કાર્યકરો આવા જાહેર કાર્યક્રમોમા કોરોના ગાઇડલાઇન ભંગ કરી બેફીકર ફરી રહ્યા છે.

રવીવારે સાંજે ભારતીય જનતા પાર્ટીના માધાપર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારનુ મુખ્ય કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતું. આ કાર્યક્રમમા ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સાથે માધાપર જિલ્લા પંચાયત બેઠક ઉમેદવાર, જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી 4 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો સહિત માધાપર ભાજપના આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ઉલંઘન થયો હતો. ત્યાં હાજર રહેલ ભાજપના આગેવાનો અને લોકોએ સોશ્યલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાડ્યા હતા. ત્યાં હાજર ભાજપના આગેવાનો તેમજ બેઠેલા કેટલાક ગ્રામજનોએ માસ્ક પણ પહેરેલ ન હતો. હદ તો ત્યા થઈ કે ખુદ ભુજ વિસ્તારના ધારાસભ્યએ પોતાની પાસે માસ્ક હોવા છતા માસ્ક નીચુ રાખી, મોઢુ અને નાક ખુલ્લુ રાખ્યુ હતું. જો કે આવું ધારાસભ્યએ ફોટો સેશનના મોહમાં માટે કર્યું હતું કે કેમ ? તે ખુદ ધારાસભ્ય જાણે, પણ કોરોના મહામારી દરમ્યાન થઈ રહેલ ચૂંટણીઓમાં એક જન પ્રતિનિધિ તરિકે તેમનુ આ બેજવાબદારી ભર્યુ વર્તન કહેવાય તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યુ છે.

સમગ્ર દેશમા હાલ વેકશીનેશન પ્રક્રિયા ચાલુ છે. હાલ વિદેશથી ભારતના અમુક રાજયોમાં આવેલ કોરોનાના ન્યુ સટ્રેઇનના કેસોની ચિંતાના કારણે કચ્છના આરોગ્ય વિભાગે કોરોનાની ગાઇડલાઇન જેવી કે માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝ કરવુ વગેરે બાબતોનું પાલન કરવા પર જોર મૂક્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોના રાજનેતાઓ તેમજ જન પ્રતિનિધિઓએ કાર્યાલય ઉદઘાટન, જાહેરસભા, ડોર ટુ ડોર જન સંપર્ક જેવા જાહેર કાર્યક્રમોમાં કોવીડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય જેની તકેદારી રાખવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા પણ આવા જાહેર કાર્યક્રમો પર નજર રાખી કોવીડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવું જોઈએ જે જન આરોગ્ય માટે હિતાવહ છે.

Get real time updates directly on you device, subscribe now.